ઉનામાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પણ ખૂંટિયો ત્યાંથી હટતો નહોતો. આખરે એક ટ્રેક્ટર લાવી એનાથી ઠોકર મારીને એને કાબૂમાં લેવામાં આવ્યો હતો
ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ખૂંટિયાનો આતંક વધી રહ્યો છે. રોડ તેમજ શહેરની ગલીઓમાંથી પસાર થતા રાહદારીઓને હડફેટે લઇ ઘાયલ કરતા હોવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ત્યારે ઉનાના પાલડી ગામે વીફરેલા ખૂંટિયાએ એક વૃદ્ધાને પેટમાં શીંગડાં મારીને આંતરડાં બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ, ઉનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતાં કરમણબેન વીરજીભાઇ બાબરિયા (ઉં. 65) નામની વૃદ્ધા પોતાના ઘરની બાજુમાં જ ઘરકામ કરી રહ્યા હતાં. ત્યારે ત્યાં અચાનક જ રખડતો ખૂંટિયો આવી ચઢ્યો હતો અને કરમણબેનના શરીર પર શીગડાં મારવા લાગ્યો હતો. વારંવાર શીંગડાં મારી તેણે પેટનાં આંતરડાં કાઢી નાખ્યાં હતાં, આથી તેમણે ઘટનાસ્થળે જ તરફડિયાં મારી દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે ગામના સરપંચ અને અન્ય લોકો દોડી આાવ્યા હતા. અને કરમણબેનને ખૂંટિયાના સકંજામાંથી છોડાવવા સતત પ્રયત્ન કર્યો હતો, પણ ખૂંટિયો લોકોનાં ટોળાં પર પણ વીફર્યો હતો અને બળ કરી છૂટી જતાં લોકો ભયના માર્યા આઘાપાછા થઇ ગયા હતા.
આ ઘટના બની એ વખતે ગામની પ્રાથમિક શાળામાં બાળકોને છૂટવાનો સમય થઇ ગયો હતો. આથી આતંક મચાવતો ખૂંટિયો બાળકોને હડફેટમાં ન લે એ માટે તેમને શાળામાં જ બેસાડી રાખી નો દરવાજો બંધ કરી દેવાયો હતો. આ તરફ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પણ ખૂંટિયો ત્યાંથી હટતો નહોતો. આખરે એક ટ્રેક્ટર લાવી એનાથી ઠોકર મારીને કાબૂમાં લેવાયો હતો. ત્યાર બાદ વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ જઇ શકાયો હતો.