Satya Tv News

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ પેન્ડેમિક એક્ટ હેઠળ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અભિનેત્રી વિરુદ્ધ હોમ ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ કરવા બદલ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આલિયા ભટ્ટનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ BMCના નિયમો અનુસાર હાઈ રિસ્ક કોન્ટેક્ટ લિસ્ટમાં મૂકવામાં આવેલા લોકોએ 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી છે, પરંતુ બ્રહ્માસ્ત્ર ફિલ્મના મોશન પોસ્ટર લોન્ચ માટે આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે દિલ્હી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, અભિનેત્રી દિલ્હીમાં ઘણા લોકોને મળી ચુકી છે. આવી સ્થિતિમાં આલિયાએ BMCના નિયમો તોડ્યા છે. BMC આ મામલાની તપાસ કરી રહી હતી અને ઉલ્લંઘનની પુષ્ટિ કર્યા પછી, હવે અભિનેત્રી સામે કેસ નોંધવાનું કહેવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટ દિલ્હીથી મુંબઈ પરત જવાની હોય તેવી માહિતી મળતાં BMCના H-West વૉર્ડના આરોગ્ય વિભાગે બુધવારે તેના મેનેજરનો સંપર્ક કર્યો હતો. આરોગ્ય વિભાગે આલિયાને કહ્યું છે કે તમે નિયમો તોડ્યા છે, તેથી દિલ્હીમાં રહો, મુંબઈ પાછા ન જાવો, જેથી વાઈરસ વધુ લોકોમાં ન ફેલાય. પરંતુ આ વખતે પણ આલિયા રાજી ન થઈ અને મોડી રાત્રે મુંબઈ પરત આવી ગઈ હતી. તેથી, હવે અભિનેત્રી સામે મહામારીના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવશે.

છેલ્લા બે-ત્રણ દિવસથી સેલિબ્રિટીઝમાં જે રીતે કોરોનાનું સંકટ વધી રહ્યું છે, તેને લઈને મહાનગરપાલિકા પણ ચિંતિત છે. માત્ર બે દિવસમાં કરીના કપૂર, અમૃતા અરોરા, સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની પુત્રી શનાયા કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને તેમનો નાનો પુત્ર યોહાન, તમામ 6 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા ચકચારી મચી જવા પામી છે.

આ દરમિયાન કરીના કપૂરની સાથે BMCએ મહિપ કપૂરનું ઘર પણ સીલ કરી દીધું છે. આ તમામ સેલિબ્રિટિઝ ગત સપ્તાહે કરણ જોહરના ઘરે પાર્ટી કરવા પહોંચ્યાં હતા. BMCએ પાર્ટીના મહેમાનો અને સેલિબ્રિટીઓના સ્ટાફ સહિત 40 લોકોનો RT-PCR ટેસ્ટ કરાવ્યો છે. કરણ જોહર અને મલાઈકા અરોરાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરણ જોહરના ઘરને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.

error: