ગુજરાતના દ્વારકામાં રહેતા અમિતભાઈ સોઢા આજે ખૂબ રાહત અનુભવી રહ્યા છે, કારણકે હવે તેમનું વીજળીનું બિલ રૂ.1000 સુધી ઓછું થઈ ગયું છે, જે ક્યારેક રૂ.10,000 સુધી આવતું હતું. વીજળીબિલમાં આ ધરખમ ઘટાડાનું કારણ છે, તેમની અગાસી પર લગાવવામાં આવેલી સોલાર પેનલ! અમિતભાઈ સોઢા જેવા ગુજરાતના ઘણા નાગરિકોએ પોતાના ઘરની અગાસી પર સોલાર પેનલ લગાવી છે અને તેનો લાભ તેઓ મેળવી રહ્યા છે. વીજળીની બચતના ફાયદાઓ સમજી ગયેલા ગુજરાતના નાગરિકો અને ઔદ્યોગિક સંસ્થાઓ હવે સૌર ઊર્જાને અપનાવી રહ્યાં છે અને સોલાર રૂફટોપ્સ સ્થાપિત કરી રહ્યા છે. પરિણામે સોલાર રૂફટોપ્સના ઇન્સ્ટોલેશનમાં ગુજરાતે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (MNRE) ના ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામના બીજા તબક્કામાં ગુજરાતે વિક્રમજનક સંખ્યામાં સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરી છે. દેશના કુલ 1177 મેગાવોટ વીજ ઉત્પાદનમાં 1029 મેગાવોટ (MW)નો ઉમેરો એકલા ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે ઓગસ્ટ 2019થી ડિસેમ્બર 2021 દરમિયાન ભારતમાં સ્થાપિત થયેલી કુલ સૌર ક્ષમતાના લગભગ 87% સૌર ક્ષમતા ગુજરાતની છે.
છેલ્લા એક દાયકા દરમિયાન દેશમાં સ્થાપિત કરવામાં આવેલા કુલ સોલાર રૂફટોપ્સમાં રાજ્યનો હિસ્સો 26% છે. વડોદરા શહેરને સૌર ઊર્જા દ્વારા નવ મહિનામાં રૂ.50 લાખની વીજળીની પ્રાપ્તિગુજરાતમાં સૌપ્રથમ વડોદરા શહેરમાં અકોડા-દાંડિયા બજાર પુલ પર ઓવરબ્રિજ સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ કાર્યરત થવાના નવ મહિનામાં જ રૂ.50 લાખની સ્વચ્છ વીજળીનં ઉત્પાદન કરવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ નવ માસ દરમિયાન સૂર્યપ્રકાશના ઉપયોગથી કુલ 7,92,000 યુનિટ ઊર્જા પ્રાપ્ત કરવામાં આવી છે.અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કુલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે 70 કિલોવોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલોવોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે, જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.તમામ પેનલોને વાયવ્ય દિશામાં 12થી 18 ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે, જેથી દિવસ આખો સૂર્યપ્રકાશ મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ શકે છે. અકોડા-દાંડિયા બજારનો આ ઓવરબ્રિજ સોલાર રૂફટોપ પાવર પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરે છે.સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને સપોર્ટકોરોના મહામારીને કારણે જ્યારે સમગ્ર વિશ્વ ઠપ્પ થઈ ગયું હતું, તે સમય દરમિયાન ગુજરાતે રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો વિકાસ કરવા માટે દ્રઢ નિર્ધાર કર્યો હતો. રાજ્યએ ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે પ્રોત્સાહક પગલાંઓની એક શ્રૃંખલા અમલમાં મૂકી હતી. MSMEs પાસે સોલાર રૂફ ટોપ અને સોલાર ઓપન એક્સેસ માટેની વિશાળ સંભાવનાઓ છે અને આ સંભાવનાઓનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવતો નથી. ગુજરાતે આ સંભાવનાઓને ઓળખી અને તેનો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો.સૂર્ય ગુજરાત પોલિસી હેઠળ, રાજ્ય સરકારે MSMEs ને તેમની વીજળી સંબંધિત સમગ્ર જરૂરિયાતો પૂરી કરવા માટે સોલાર પ્લાન્ટ્સ સ્થાપવાની અને જો કોઈ સરપ્લસ સોલાર પાવર હોય તો રાજ્યના ઇલેક્ટ્રિસિટી બોર્ડને રૂ.1.75 / રૂ.2.25 પ્રતિ યુનિટના ભાવે વેચવાની મંજૂરી આપી હતી. અહીંયા એ વાત નોંધનીય છે કે, ગુજરાતમાં આજની તારીખે 5,00,000 જેટલા રજિસ્ટર્ડ MSMEs છે.
સૌર ઊર્જાને અપનાવવા માટે ગુજરાતની સજ્જતાકોરોના મહામારીનો ફેલાવો થાય તે પહેલાના સમયથી જ ગુજરાતે મોટા પ્રોજેક્ટ્સ, નાની-નાની ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટ્સના અમલીકરણ અને અલ્ટ્રા મેગા સોલાર પાર્કની સ્થાપના દ્વારા દેશના મહત્વાકાંક્ષી સોલાર પીવી કેપેસિટી એક્સપાન્શન પ્રોગ્રામ માટે પોતાને સજ્જ કર્યુ હતું.
આ સિદ્ધિને હાંસલ કરવા માટે રાજ્યએ સૌર ઊર્જા ક્ષેત્રમાં ગ્રાહકો, ઉદ્યોગો અને ડેવલપર્સને સપોર્ટ આપીને એક નવી મિકેનિઝમ શરૂ કરવાની યોજના બનાવી છે.ભારત સરકારે 2022 સુધીમાં સોલાર રૂફટોપ ક્ષમતાના 40 ગીગાવોટ (GW) સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. દેશમાં સોલાર રૂફટોપની સ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે (MNRE) વર્ષ 2015માં ‘ગ્રિડ કનેક્ટેડ રૂફટોપ એન્ડ સ્મોલ સોલાર પાવર પ્લાન્ટ પ્રોગ્રામ’નો પ્રથમ તબક્કો (ફેઝ-1) અમલમાં મૂક્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ, રહેણાંક વિસ્તાર, સંસ્થાકીય અને સામાજિક ક્ષેત્રોમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે સામાન્ય કેટેગરીના રાજ્યો માટે બેન્ચમાર્ક કોસ્ટના 30% સુધીની સબસીડી અને વિશિષ્ટ કેટેગરીના રાજ્યો માટે બેન્ચમાર્ક કોસ્ટના 70% સુધીની સબસીડી આપવામાં આવી હતી.આ પહેલને વેગ આપવા માટે ઓગસ્ટ 2019માં બીજો તબક્કો (ફેઝ 2) પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ) માટે વિવિધ પ્રોત્સાહનો દ્વારા 18 ગીગાવોટ (GW) ની વધારાની સોલાર રૂફટોપ ક્ષમતાને લક્ષ્યાંકિત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારો માટે 4 ગીગાવોટની વધારાની ક્ષમતાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.પુનઃપ્રાપ્ય ઊર્જાને ઝડપથી અપનાવવામાં અગ્રેસર ગુજરાત દેશનું પહેલું રાજ્ય હતું જેણે વર્ષ 2009માં સૌર ઊર્જા નીતિની જાહેરાત કરી હતી, અને ત્યારબાદ 2015માં અને 2019માં તેમાં સમય પ્રમાણે જરૂરિયાત મુજબ સુધારાઓ કર્યા હતા.સૌર ઊર્જા માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પરથી જાહેરાત કરી હતી કે ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાં રાખ્યો છે. દેશની ઊર્જાની 50% જરૂરિયાત પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી પૂરી થશે. આ વિશાળ યોજનાને અમલમાં મૂકવા માટે સૌર ઊર્જાને અપનાવવી પડશે અને તે માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું પડશે, જેના માટે દરેક રાજ્યએ વ્યૂહાત્મક યોગદાન આપવું જરૂરી છે.ગીગાવોટમાં સૌર ઊર્જાનું ઉત્પાદન કરવા માટે વર્ષભર સૂર્યપ્રકાશ ધરાવતી વિશાળ ખુલ્લી જમીનની જરૂર પડે છે. ગુજરાત આ માટેનું હોટસ્પોટ છે, કારણકે રાજ્ય ભારતમાં સૌથી વધુ સોલાર રેડિયેશન મેળવે છે. તેથી જ અન્ય રાજ્યોની સરખામણીએ સૌર ઊર્જાને ઝડપથી અપનાવવા માટે ગુજરાતે પોતાની પર્યાવરણીય પરિસ્થિતિનો યોગ્ય ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, ભારતનો અડધો ભૂપ્રદેશ અર્ધશુષ્ક છે, જ્યાં 1000 મીલીમીટરથી ઓછો વાર્ષિક વરસાદ પડે છે. મોટા સોલાર પ્લાન્ટ્સ સ્થાપિત કરવા માટે આ જમીનનો ઉપયોગ કરી શકાય છે.તાજેતરમાં, કચ્છ જિલ્લામાં ખાવડા નજીક વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવા માટે રાજ્યએ 1,00,000 હેક્ટરની પડતર જમીનનો ઉપયોગ કર્યો છે. આ પાર્ક 30,000 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરશે. આ હાઇબ્રિડ પાર્ક 24,800 મેગાવોટ ક્ષમતાના પવન અને સૌર ઊર્જા પ્લાન્ટ્સને સમાવી શકશે.વિશ્વભરમાં ઊર્જાના વપરાશમાં સૌથી વધુ ઉપયોગ અશ્મિભૂત ઇંધણનો થતો હોય છે, પરંતુ આ ઇંધણ ફક્ત નિશ્ચિત સમયમર્યાદા માટે જ ઉપલબ્ધ છે અને પર્યાવરણ પર પણ તેની વિવિધ ગંભીર અસરો થતી હોય છે. આ પરિસ્થિતિમાં એક સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ કરીને ભાવિ પેઢી માટે એક બહેતર ભવિષ્યની કેડી કંડારવી ખૂબ જરૂરી છે. ગુજરાત એ વાત સારી રીતે સમજી ચૂક્યું છે કે આપણે અશ્મિભૂત ઇંધણથી ઉત્પન્ન થતી ઊર્જા પરની નિર્ભરતા ઘટાડવી જ પડશે અને તેથી જ રાજ્યએ સોલાર પ્રોજેક્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવાના પ્રયાસો યોગ્ય રીતે અમલમાં મૂક્યા છે. પર્યાવરણ અને માનવ આજીવિકા પ્રત્યેના સસ્ટેનેબલ અને દૂરંદેશી અભિગમ દ્વારા રાજ્ય અન્ય સરકારો માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા