Satya Tv News

કોર્ટે ફાંસી અને નપુંસક બનાવવાની માંગને ફગાવી દીધી

સરકારી વકીલે કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી

ઈન્ડોનેશિયાની એક કોર્ટે 13 સગીરા પર બળાત્કારના આરોપીને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે તેને આજીવન જેલની સજા ફટકારી હતી. ઈન્ડોનેશિયામાં બળાત્કારના દોષિતોને દવા દ્વારા નપુંસક બનાવવાની સજા પણ આપવામાં આવે છે. જો કે, આ કેસમાં 36 વર્ષીય આરોપી હેરી વિરવાનને રાહત મળી છે. કોર્ટે કહ્યું- હેરીની ક્રૂરતાની સજા એ છે કે તેણે હવે આખું જીવન જેલમાં વિતાવવું પડશે. તેને નપુંસક બનાવવાની જરૂર નથી. અમે તેને તે સજા નથી આપી રહ્યા.

બાંડુંગ જિલ્લાની એક કોર્ટે મંગળવારે આ સજા સંભળાવી હતી. તે દેશના સૌથી મોટા કેસોમાંનો એક કેસ માનવામાં આવે છે. હેરી એક ખતરનાક રેપિસ્ટ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 2016થી તેની ધરપકડ સુધી 13 વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાંથી 9 છોકરીઓ માતા પણ બની હતી.

સરકારી વકીલે કોર્ટમાં હેરીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે સરકારી વકીલની બંને માંગણીઓ ફગાવી દીધી હતી. હેરીને ન તો મૃત્યુદંડની સજા આપવામાં આવી છે અને ન તો તેને હવે નપુંસક બનાવવામાં આવશે. દોષિત ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાં શિક્ષક હતો.

કોર્ટે સ્પષ્ટ કહ્યુ હતુ કે હેરીને કોઈપણ સ્થિતિમાં પેરોલ આપવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેને નપુંસક બનાવવા અથવા તેને મૃત્યુદંડની સજા આપવાનું કોઈ કારણ નથી. દોષીતને સજા ઉપરાંત લગભગ 24 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોપીએ કોર્ટની માફી માંગતા કહ્યું હતુ કે, હું મારા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. પત્ની અને ત્રણ બાળકો પણ છે.

જકાર્તા ટાઈમ્સ મુજબ દેશના કાયદાને જોતા આ સજા વધુ હોવાનું જણાતું નથી. સામાન્ય રીતે બાળ યૌન શોષણના દોષિતને કોઈપણ કેસમાં 15 વર્ષથી વધુની સજા આપવામાં આવતી નથી. જ્યાં સુધી નપુંસક બનાવવાની વાત છે તો આ કાયદો 2016માં બનાવવામાં આવ્યો હતો. ત્યારે બેંગકુલુ નામના શહેરમાં એક સગીરા પર ગેંગરેપ થયો હતો અને દેશમાં એનેક જગ્યાએ વિરોધ થયો હતો. સોશિયલ એક્ટિવિસ્ટ આ કાયદાને નરમ જણાવે છે.

error: