Satya Tv News

13 વર્ષ 6 મહિના અને 23 દિવસે ગુજરાતના દુશ્મનોને સજા

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે.

દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનને રૂ.1 લાખનું વળતર
કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.

દોષિતોને સુધારાનો અવકાશ આપો. કોર્ટે સજા કરતાં પહેલાં તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુતમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે સજા સંભળાવવામાં આવી છે. આગાઉ દોષિતોના વકીલ અને સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. આજે 49 દોષિતને સજાની સુનાવણી કરાઈ છે.302માં ફાંસી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા કરવામાં આવી છે. આતંકી કૃત્ય અને UAPAની કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે

અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. કુલ દોષિતોમાંથી 32 હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. સજાની સુનાવણી અગાઉ તેમના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે દોષિતોને સુધારાનો અવકાશ છે. એ માટે ઋષિ વાલ્મીકિનું પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે દોષિતોને સુધરવાની એક તક આપવી જોઇએ, કેમ કે તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી એ અંગેની વિગતો તેમની પારિવારિક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માગ કરી હતી.

26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપી સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે, જ્યારે હજી આ કેસમાં 8 આરોપી એવા છે, જેમને પોલીસ હજુ શોધી રહી છે.. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્હીની જેલમાં, જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચિનની જેલમાં છે. આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે.

દોષમુક્ત ઠરેલા 28 પૈકીના 22 આરોપી વિરુદ્ધ અન્ય રાજ્યોમાં કેસ ચાલતા હોવાથી તેઓ જેલની બહાર નીકળી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ જેહાદી ષડયંત્ર અને ત્રાસવાદી કૃત્ય માન્યું છે. 13 વર્ષની લાંબી કાનૂની કાર્યવાહી પૂરી થતાં મંગળવારે ખાસ કોર્ટે ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ કર્યો હતો. સૌપ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી.

26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા બોંબબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. એમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગનઆર અને મારુતિ કારમાં બોંબબ્લાસ્ટ કર્યા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

error: