Satya Tv News

પિતાએ જ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાના ગુનાની કબૂલાત કરી.
પોલીસ આરોપી પિતા વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરશે
આરોપી પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં જ બળાત્કાર ગુજારી લોહીલુહાણ કરવાના બનાવમાં બાળકીનો પિતા જ હવસખોર નીકળ્યો છે. ગત ગુરુવારે બપોરે ઘરે આવેલા હવસખોર પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાક્રમ અને સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ થયા બાદ થોડા સમયમાં તેણે પોલીસને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ. જોકે ઘટના બન્યા બાદથી દીકરીની સાથે જ રહેલા પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા બાદ ગુનાની કબૂલાત કરી હતી.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે તેની પત્ની આખો દિવસ કામ કરે છે. તેથી સમય નથી આપતી, તેથી તેની શારીરિક જરૂરિયાતો પૂર્ણ નથી થતી. એને કારણે મારાથી આ પાપ થઈ ગયું છે. મુજ સે બહોત બડી ભૂલ હો ગઈ હૈં.

મૂળ નેપાળનો પરિવાર સુરત-કામરેજ રોડ પર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે એક મકાનમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી રવિના (નામ બદલ્યું છે), 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે. ગુરુવારે પતિ-પત્ની તેમનાં કામ પર ગયાં હતાં. ત્રણેય સંતાનો ઘરે હતાં. બપોરે દોઢેક વાગે અજાણ્યો શખસ તેમના ઘરે આવ્યો હતો. તેણે રવિના સિવાયનાં બાળકોને બાથરૂમમાં પૂરીને રવિના પર બળાત્કાર ગુજાર્યો હતો. રવિના લોહીલુહાણ થઈ ગઈ હતી. તેની નાની બહેને દાદીને આ બાબતે વાત કરી હતી. બધાં સગાં ઘરે આવ્યાં અને રવિનાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસે હોસ્પિટલ જઈ ફરિયાદ દાખલ કરી હતી. રવિના અને તેની બહેને પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યો માણસ લાંબા વાળવાળો હતો અને કાનમાં કડી પહેરી હતી.

પોલીસે બનાવ બન્યો એ સમયના આસપાસના લોકોને લાંબા વાળવાળો અને કાનમાં કડીવાળો માણસ બપોરે એકાદ વાગે દેખાયો હતો કે કેમ એ બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ બધાએ કહ્યું હતું કે બપોરે આવો કોઈ માણસ નથી દેખાયો. બનાવથી થોડા અંતરે એક દુકાન બહાર આવેલા સીસી કેમેરા ચેક કરતાં પોલીસ ચોંકી ગઈ હતી. બપોરે રવિનાની માતા અને પિતા આવતાં દેખાય છે. તેના પિતા બે વખત આવે છે. બીજી વખત 12.07 વાગે ઘર તરફ જતો દેખાય છે, પરંતુ તે ઘરેથી પરત બહાર જતા નથી દેખાતો, તેથી પોલીસને શંકા ગઈ.

પોલીસે ફરીથી હોસ્પિટલ જઈને રવિનાની પૂછપરછ કરી હતી. રવિનાની અને બીજી દીકરીની ફરીથી પૂછપરછ કરી હતી. ત્યારે બંનેએ કહ્યું હતું કે તેના પિતાએ જ ખરાબ કામ કર્યું છે, તેથી પોલીસે બાળકીના પિતાને ઊંચકી લીધો હતો. જ્યારે તેને પકડ્યો અને પૂછપરછ કરી ત્યારે તે પહેલા કંઈ બોલતો નહોતો. પછી પોલીસે કહ્યું, તારી દીકરીએ સાચી વાત કરી દીધી અને સીસીટીવી કેમેરામાં તું દેખાય છે ત્યારે તે પડી ભાંગ્યો હતો. તેણે પોલીસ સામે કબૂલાત કરી કે મારી ભૂલ થઈ ગઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલાં પણ નરાધમ પિતાએ રવિના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એ સમયે કરી શક્યો નહોતો. એ સમયે રવિનાએ તેની માતાને પિતાની ફરિયાદ કરી હતી. પરંતુ માતાએ દીકરીને કહ્યું, પિતા આવું ક્યારેય ન કરે. જો ત્યારે જ માતાએ પિતાને ઠપકો આપ્યો હોત કે સમજાવ્યો હોત તો આ બનાવ કદાચ ન બનત.

error: