Satya Tv News

રશિયાની સરકારી એરલાઈન્સ કંપનીની તમામ ઉડ્ડાન સેવા બંધ
પુતિને કહ્યું- યુક્રેન નહીં સુધરે તો તેના અસ્તિત્વ માટે જોખમ સર્જાશે

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. શનિવારે, રશિયાએ યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધી હતી. આ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ પણ મિટાવી દેવામાં આવશે.

પુતિનની ધમકીના જવાબમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમે આઝાદી માટે લડીશું અને કોઈની સામે ઝુકીશું નહીં. આ તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયાના લગભગ 1.5 લાખ સૈનિકો કિવને ઘેરી રહ્યા છે અને રશિયા કોઈપણ સમયે આ શહેર પર હુમલો કરી શકે છે.

કિવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, છેલ્લા 10 દિવસમાં એક લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો સૈન્યમાં જોડાયા છે. તમામને પ્રારંભિક તાલીમ આપ્યા બાદ તેમને મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાને વધુ હથિયારો આપવા અપીલ કરી છે.

છેલ્લા દસ દિવસથી યુક્રેન પર કબજો મેળવવા માટે ભયાનક હુમલા કરી રહેલી રશિયન સેના અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધ ખતમ કરવાની કોઈ ઈચ્છા ધરાવતા ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. એવામાં હાલમાં જ પરમાણુ હુમલાની ચીમકી આપી ચૂકેલા પુતિને ફરી એકવાર ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પરના પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે.

તેમણે આ સાથે એવી પણ ધમકી આપી છે કે જો યુક્રેન પર નો-ફ્લાય ઝોનની કોઈપણ ચેષ્ટા થશે તો એ સમગ્ર વિશ્વ માટે વિનાશકારી પરિણામ લાવનાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ NATO પર આરોપ લગાવ્યો હતો કે યુક્રેન પરના રશિયન હવાઈ હુમલા તેણે યુક્રેનના આકાશને નો-ફ્લાય ઝોન ઘોષિત ન કર્યુ તેને આભારી છે. આ જ વાતના સંદર્ભમાં રશિયન રાષ્ટ્રપ્રમુખે પશ્ચિમી દેશોને ચીમકી આપી હતી.

error: