યુક્રેન થી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની મુલાકાત લેતા ફૈઝલ પટેલ
ત્યાંની વર્તમાન પરિસ્થિતિના અહેવાલ મેળવી શુભેચ્છાઓ પાઠવી
તેઓ નજીકના બંકરમાં આશરો લેવા ગયા
બંકર ફુલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો
યુક્રેનમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે આવા સમયે ભરૂચ જિલ્લાના પણ અનેક યુવક તેમજ યુવતીઓ ત્યાં ફસાયા હતા જે પૈકી ભરૂચની એક યુવતી ક્ષેમકુશળ પરત આવતાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેમની મુલાકાત લીધી હતી.
ભરૂચની 21 વર્ષીય યુવતી આયેશા ગુલામ મુસ્તુફા શેખ યુક્રેનમાં આવેલા ટર્નોપિલ શહેરની ઈવાન હોર્બાચેવ્સ્કી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓ એમબીબીએસના ચોથા વર્ષમાં છે. યુક્રેન અને રશિયા ના યુદ્ધ વચ્ચે તેઓ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને પરિસ્થિતિ બદ થી બદતર થઇ ગઇ હતી તેઓના શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને સમાચાર આવતા હતા કે રશિયન સૈનિકો ભારી માત્રામાં એક્સપ્લોઝિવ સાથે આવી રહ્યા છે. આયેશા જ્યાં રહેતા હતા ત્યાં નજીક જ એક મિસાઈલ ના ધડાકાએ સૌને ધ્રુજાવી દીધા હતા. આયેશાએ પોતાના વીડિયોમાં આ વાત કહી હતી કે તેઓ નજીકના બંકરમાં આશરો લેવા ગયા તો ત્યાં પણ બંકર ફુલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ બાદ ભારત સરકાર અને સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આ અંગે સંનિષ્ઠ પ્રયત્નો કરી તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી હતી.આયેશા પરત આવતાં દિલ્હીથી સુરત સુધી મોકલવાની વ્યવસ્થા પણ મુમતાઝ પટેલે કરી હતી.
આયેશા ઘરે હેમખેમ પહોંચતાં પરિવારજનોમાં પણ રાહત અને આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. ફૈઝલ પટેલે સુરતથી રવિવારે આવી પહોંચેલા આયેશાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આયેશાની આપવીતી સાંભળી હતી અને પરત આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને પરિવારજનોને પણ સાંત્વના આપી હતી. તેમજ આગામી દિવસોમાં પણ કંઈ પણ જરૂર હોય તો પોતે સાથે હોવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ