ફરી એક વખત ઉત્તર પ્રદેશની કમાન સંભાળવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે. શપથ ગ્રહણ પછીના દિવસે એટલે કે, આજે તેમણે પોતાની નવી કેબિનેટ સાથે પ્રથમ બેઠક કરી હતી. આ બેઠકમાં યોગી મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી ફ્રી રાશન યોજનાને 3 મહિના માટે લંબાવવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે, તેઓ ફરી આગામી 3 મહિના માટે ફ્રી રાશન યોજનાને લાગુ કરશે. તેનાથી રાજ્યના 15 કરોડ લોકોને ફાયદો થશે. કોરોના મહામારી દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠક બાદ બંને નાયબ મુખ્યમંત્રીઓ એકસાથે બહાર નીકળ્યા હતા. DyCM કેશવ મૌર્યએ જણાવ્યું કે, આ નિર્ણયથી 15 કરોડ લોકોના જીવનને સીધી અસર થશે. જ્યારે બ્રિજેશ પાઠકે કહ્યું કે, સરકાર સતત ગરીબોનું ધ્યાન રાખી રહી છે અને કરોડો પરિવારને તેનો સીધો લાભ મળશે.