આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશમાં શનિવારે સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ સંતુલન ગુમાવતા ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ મામલો અનંતપુર જિલ્લાના ધર્માવરમનો છે, જ્યાં સગાઈ માટે શનિવારે લગભગ 50 લોકો બસ દ્વારા તિરુપતિ જઈ રહ્યા હતા. તિરુપતિ નજીક ચિત્તૂર જિલ્લાના ભાકરાપેટ વિસ્તારમાં બસ પોતાનું સંતુલન ગુમાવી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાંલગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તિરુપતિની રૂયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ ચારે બાજુ લોકોના શરીરના ટુકડા વિખરાયેલા જોયા. ચંદ્રગિરી પોલીસના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે એક ખાનગી બસ શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી તિરુપતિ જવા રવાના થઈ હતી. એક વળાંક પાર કરતી વખતે બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ નીચે ખીણમાં પડી હતી.
તમને જણાવી દઈએ કે, બસ ખાઈમાં પડતાં અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી. અકસ્માત જોનારા લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા અને ચંદ્રગિરી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. લગભગ 9 એમ્બ્યુલન્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અંધકાર અને ગાઢ જંગલને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.
બીજી તરફ રાજસ્થાનમાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે અજમેર જિલ્લામાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા.અજમેર કોટા હાઈવે પર લોહરવાડા ગામ પાસે એક SUV અને ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
મૃતકોની ઓળખ રિયાઝ ખાન, રૂખસાના, સુરૈયા પરવીન તરીકે થઈ છે. અન્ય એક અકસ્માતમાં શનિવારે ચિત્તોડગઢ જિલ્લામાં એક કાર ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર મયંક (29) અને તેનો નાનો ભાઈ ચિત્રાંશુ (27) ના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.