રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, યુક્રેનના ચેર્નોબિલમાં પરમાણુ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ આગ અંદાજે 10 હજાર હેક્ટેયર જંગલમાં લાગી છે કે જેને રશિયાની સેના જાણીજોઇને નથી બુઝાવી રહી. આ પ્લાન્ટ 24 ફેબ્રુઆરીથી જ રશિયાના કબ્જામાં છે. જેના કારણે રશિયાના ફાયર ફાઇટર્સ આ આગને સળગાવવા માટે પ્લાન્ટની નજીક પણ નથી જઇ શકતા.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચેર્નોબિલ પ્લાન્ટની આસપાસ રશિયન સેનાના હુમલાના કારણે 31 જગ્યાએ આગ લાગી છે. આ એ જ ન્યુક્લિયર પ્લાન્ટ છે, જ્યાં 1986માં દુર્ઘટના થઈ હતી અને અહીંથી નીકળતા રેડિયેશનથી લાખો લોકોના મોત થયા હતા. આજે રુસો-યુક્રેન યુદ્ધનો 33મો દિવસ છે અને એક મહિના બાદ યુદ્ધના મેદાનમાંથી ડરામણી તસવીરો સામે આવવા લાગી છે. યુક્રેનના લોકોએ ટ્વિટર પર ગોસ્ટોમેલ એરફિલ્ડનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક સમયે યુક્રેનનું ગૌરવ ગણાતું આ એરફિલ્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયેલું દેખાય છે. આ એ જ એરફિલ્ડ છે જ્યાં રશિયા દ્વારા બોમ્બમારો કરીને યુક્રેનનું સૌથી મોટું પ્લેન An-225 મરિયાને નષ્ટ કરવામાં આવ્યું હતું. પુતિનની સેનાએ આ બેઝ પર બે વાર હુમલો કર્યો અને બીજા હુમલામાં યુક્રેનિયન એરફોર્સની તાકાત ઓછી કરવા માટે રશિયન સેનાએ જમીન પર ઉતરીને આ બેઝને નષ્ટ કરી દીધો.
યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 34મો દિવસ છે. ત્યારે યુક્રેન પણ રશિયાના અવિરત હુમલાઓથી સ્તબ્ધ થઇ ગયું છે. ઘણા શહેરો આ હુમલામાં નાશ પામ્યા છે. પરંતુ સૌથી મોટી દુર્ઘટના મારીયુપોલમાં ઘટી છે. અહેવાલો અનુસાર, આ શહેરમાં હુમલામાં અંદાજે 5 હજાર લોકોના મોત થયા છે. હજારો લોકો બેઘર થઇ ગયા છે તો હોસ્પિટલો પણ ઇજાગ્રસ્ત લોકોથી હાઉસફૂલ છે. કયો બોમ્બ ક્ષણભરમાં જીવનનો અંત લાવી દેશે તેવો ભય અહીંના લોકોને સતત સતાવી રહ્યો છે. ત્યારે હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે, મૃતકોને પાર્ક અને શાળાઓમાં દફનાવવામાં આવી રહ્યાં છે. રશિયાએ અહીંયા એવી તબાહી મચાવી છે કે, 90 ટકા ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે 40 ટકા ઈમારતો એવી છે કે તે સંપૂર્ણપણે એક ઉજ્જડ જમીન જેવી થઈ ગઈ છે.
વધુમાં જણાવી દઇએ કે, રશિયાનો લવીવ પર પણ હુમલો સતત ચાલુ છે. રશિયા તરફથી આ શહેર પર મિસાઈલ છોડવામાં આવી રહી છે, જેના કારણે આખું શહેર સળગતું જોવા મળી રહ્યું છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, લવીવમાં સૈન્ય મથકો સિવાય એપાર્ટમેન્ટ્સ અને થિયેટરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. રશિયાએ 24 કલાકમાં યુક્રેનના પાંચ મોટા શહેરો પર બોમ્બમારો કર્યો છે. એવું માનવામાં આવે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી ખૂબ મોટી સંખ્યામાં સૈનિકોને કેદ કરવામાં આવ્યા છે. રુશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વ ગંભીર શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેનિયનો રશિયા સહિત પાડોશી દેશોમાં આશરો લઈ રહ્યાં છે. હાલમાં ત્યાં 3.5 મિલિયનથી વધુ શરણાર્થીઓ આવેલા છે, જેમાંથી મોટા ભાગના લોકો પોલેન્ડ પહોંચી ગયા છે.
યુદ્ધની શરૂઆતમાં રશિયાએ કીવને નિશાન બનાવ્યું હતું. સતત હુમલાઓ કરવામાં આવ્યાં. કહેવામાં આવ્યું હતું કે, તેઓ માત્ર લશ્કરી ઠેકાણાંઓને જ નિશાન બનાવશે. પરંતુ રશિયાએ યુદ્ધમાં બધું જ બરાબર કહેવતને પણ સાબિત કરી દીધી છે. રશિયન સૈનિકોએ માત્ર લશ્કરી મથકોને જ નહીં, પરંતુ રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતાં. કીવ બાદ ખારકિવનો વારો આવ્યો, જ્યાં રશિયાએ અંધાધૂંધ હુમલો કર્યો. અહીં હુમલામાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાં પરંતુ એમાં સૌથી ખતરનાક દ્રશ્ય મારિયુપોલમાં જોવા મળી રહ્યું છે.
રશિયાની ક્રૂરતા એવી રહી છે કે, સૈનિકોએ ત્યાંની એક શાળા પર હવાઈ હુમલો પણ કરી દીધો છે. આ શાળામાં 400 લોકોએ આશરો લીધો હતો. એ સ્પષ્ટ છે કે, 33 દિવસમાં યુક્રેનના મારીયુપોલ સહિત ઘણાં શહેરોનો દેખાવ બદલાઈ ગયો છે. લોકો ખાવા-પીવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોયા બાદ થોડું ખાવાનું લોકોને નસીબ થઇ રહ્યું છે.