ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે પોલીસે નકલ માફિયા ટોળકીનો પર્દાફાશ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. હાઈસ્કુલ અને ઈન્ટરની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ સરપંચના ઘરે લખાઈ રહી હતી અને તે સમયે પોલીસે આ ટોળકીની ધરપકડ કરી હતી. SDM બરહજ, CO બરહજની આગેવાનીમાં આ પ્રકારનો દરોડો પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં બોર્ડની હાઈસ્કુલ અને ઈન્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે અને સરકાર નકલ ન થાય તે રીતે પરીક્ષાઓ યોજવા માટે પ્રયત્નશીલ છે. આ કારણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભારે સખ્તી વર્તવામાં આવી રહી છે પરંતુ દેવરિયામાં નકલ કરાવનારી ટોળકી સક્રિય છે. હવે શાળાઓમાં નકલ કરાવવાના બદલે ઘરોમાં સામૂહિક નકલ કરાવીને કોપીઓ લખવામાં આવી રહી છે.
મંગળવારે પોલીસે બરહજ થાણા અંતર્ગતના બડકાગાંવના સરપંચ નબ્બેલાલના ઘરે દરોડો પાડ્યો હતો. ત્યાં 9 આરોપીઓ હાઈસ્કુલની સંસ્કૃત અને ઈન્ટરની ચિત્રકલાની ઉત્તરવહીઓ લખતાં રંગેહાથ ઝડપાયા હતા. તે ઉત્તરવહીઓ પર વિંધ્યાચલ ઈન્ટર કોલેજ પૈનાના કેન્દ્ર વ્યવસ્થાપકની મહોર લાગેલી હતી.
પોલીસે ઘટના સ્થળેથી A અને B શ્રેણીની ઉત્તરવહીઓ, પ્રશ્નપત્ર, નકલની સામગ્રી વગેરે જપ્ત કર્યા છે. સરપંચ નબ્બેલાલ ગુપ્તાનો દીકરો વિંધ્યાચલ ઈન્ટર કોલેજ પૈનામાં કાર્યરત છે. પ્રિન્સિપાલ તારકેશ્વર ગુપ્તાની મિલિભગત વડે સરપંચ નબ્બેલાલના ઘરે આ ઉત્તરવહીઓ લખવામાં આવી રહી હતી.
પ્રિન્સિપાલ તારકેશ્વર હાલ ફરાર છે અને તેમને ઝડપી લેવા માટે પોલીસ વિવિધ ઠેકાણે તપાસ કરી રહી છે.