ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા PM મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં પ્રધાનમંત્રી રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા.
આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાન મોદીના પ્રવાસ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રવાસને લઇ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નિમીષાબેન સુથારે 50 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી છે. જેઠા ભરવાડે 40 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી હોવાનું પાટીલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી એપ્રિલ માસમાં PM મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના 5 જિલ્લાના હોદ્દેદારો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં મહત્વની બેઠક યોજશે. જેમાં પીએમ મોદીના પ્રવાસની તૈયારી અંગે બેઠકમાં ચર્ચા થશે. આ સાથે સુપોષણ અભિયાન સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા થશે.