પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો સવારે દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે. જેમાં ખુદ રાહુલ ગાંધી પણ સામેલ છે. પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે. જો કે, આ પ્રદર્શનમાં સોનિયા ગાંધીની સામેલગીરી અંગે કોઈ માહિતી હજુ સુધી સામે નથી આવી. પરંતુ હાલમાં રાહુલ ગાંધી અનેક કાર્યકર્તાઓ સહિત દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી મુદ્દે પ્રદર્શન કરવા પહોંચી ગયા છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લાં 9 દિવસમાં પ્રતિ લિટર 5.60 રૂપિયાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેથી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનાં 100.21 રૂપિયા તો ડીઝલના 92.27 રૂપિયા થઇ ગયા છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોનો રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યાં બાદ 22 માર્ચે વધારો કરાયો હતો. ત્યાર બાદ આઠમી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો.
બીજી બાજુ છેલ્લાં છ મહિનામાં દેશમાં સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસે કિંમતમાં 33% નો વધારો કર્યો છે, જ્યારે મુંબઈમાં મહાનગર ગેસની કિંમતમાં 27% નો વધારો કર્યો છે. માત્ર માર્ચ મહિનામાં જ અમદાવાદમાં 9.6 રૂપિયા પ્રતિ કિલો અને દિલ્હીમાં 7 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ઘરેલું પાઈપ નેચરલ ગેસ (PNG) ની કિંમતમાં પણ વધારો કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં PNG નાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર બાદ PNG અહીંયા 36.61 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળે છે. આ નવી કિંમત 24 માર્ચ, 2022થી અમલમાં આવી ગઇ છે.