Satya Tv News

કેન્દ્રીય કેબિનેટે ડીઅઅને ડીઆર ૩ ટકા વધારીને ૩૪ ટકા કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૧.૧૬ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. મોંઘવારી ભથ્થાનો નવો દર એક જાન્યુઆરી, ૨૦૨૨થી અમલમાં આવશે.

સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ અને કેન્દ્ર સરકારના પેન્શનરોના ડીઆરમાં એક જાન્યુઆરી, ૨૦૨૨થી ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએ કેૈન્દ્રીય સરકારના પેન્શનરોને ડીઆર ૩૧ ટકા ચૂકવવામાં આવે છે. કેબિનેટના આજના નિર્ણય પછી ડીએ અને ડીઆર વધીને ૩૪ ટકા થઇ જશે. ઉલ્લેખનીય છે કે ડીએ અને ડીઆર બેઝિક પગાર તથા બેઝિક પેન્શન પર ચૂકવવામાં આવે છે.

સાતમા પગારપંચે કરેલી ભલામણને આધારે તૈયાર કરાયેલ ફોર્મ્યુલાને આધારે ડીએમાં વધારો નકકી કરવામાં આવે છે. ડીએ અને ડીઆરમાં વધારો કરવાથી સરકારી તિજોરી પર વાર્ષિક ૯૫૪૪.૫૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકારના આ નિર્ણયનો લાભ કેન્દ્ર સરકારના ૪૭.૬૮ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને મળશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરમાં ૩ ટકાનો વધારો કર્યો હતો. જે એક જુલાઇ, ૨૦૨૧થી અમલમાં આવ્યો હતો. જુલાઇ અગાઉ સરકારે ડીએ અને ડીઆરમાં એક સાથે ૧૧ ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે ડીએ અને ડીઆર ૧૭ ટકાથી વધીને ૨૮ ટકા થયું હતું. કોરોનાને કારણે કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૧ સુધી ડીએમાં વધારો કર્યો ન હતો. જેના કારણે એક જાન્યુઆરી, ૨૦૨૦, એક જુલાઇ, ૨૦૨૦ અને એક જાન્યુઆરી, ૨૦૨૧નો ડીએ વધારો સ્થગિત કરી દેવાયો હતો. જે એક સાથે ગયા વર્ષે ચૂકવવામાં આવ્યો હતો. જેના પગલે ડીએમાં એક સાથે ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલ અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ વર્લ્ડ બેંક અનુદાનિત એમએસએમઇ માટેની યોજનાને મંજૂરી આપી દીધી છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ(એમએસએમઇ) માટે રેઇઝિંગ એન્ડ એક્સેલેરેટિંગ એમએસએમ પર્ફોમન્સ(આરએએમપી) હેઠળ ૬૦૪૨.૪૫ કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

error: