Satya Tv News

શ્રીલંકામાં આગજની, હિંસા, પ્રદર્શન, સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે. લાંબા પાવર કટ, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ કરી દીધી છે.

પહેલી એપ્રિલથી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.

આ પ્રકારની ઈમરજન્સી દ્વારા રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પબ્લિક સિક્યોરિટી અધ્યાદેશની જોગવાઈઓને લાગુ કરી દીધી છે. તેનાથી તેમને સાર્વજનિક સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થાના સંરક્ષણ, વિદ્રોહના દમન, હુલ્લડો કે નાગરિકો દ્વારા કરવામાં આવતા તોફાનો, આવશ્યક વસ્તુઓના સંગ્રહને લઈ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે. ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે. તેઓ કોઈ પણ કાયદાને બદલી કે સસ્પેન્ડ પણ કરી શકે છે.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 13-13 કલાકના પાવર કટનો સામનો કરી રહેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગણી કરી રહી છે.

પ્રતિબંધો, તંગી અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી શ્રીલંકાની જનતા શુક્રવારે રાતે કોલંબોમાં રસ્તાઓ પર ઉતરી આવી હતી. આશરે 5,000થી પણ વધારે લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ રેલી યોજી હતી. જોકે રસ્તામાં જ પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને પોલીસે 54 લોકોની ધરપકડ કરી હતી.

હિંસા, મારપીટ અને આગજનીમાં 24 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તે સિવાય અનેક નાગરિકો પણ ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ સરકાર અને સેનાની અનેક ગાડીઓને આગને હવાલે કરી હતી.

error: