- કાશ્મીરમાં 307 હટયા પછી 87 નાગરિકના મોત, 99 જવાન શહીદ
- હુમલાની જવાબદારી તોયબાના ટીઆરએફએ લીધી,
- ત્રાલમાં માર્યા ગયેલા બે આતંકીઓ તોયબાના હતા
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બુધવારે બપોરે ટયૂલિપ ગાર્ડનની આસપાસ આતંંકીઓએ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. આ વિસ્ફોટમાં એક ટેંપો ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલા સુરક્ષા જવાનોએ આસપાસનો વિસ્તાર સીલ કરીને તપાસ શરુ કરી છે. આ હુમલાની જવાબદારી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી.
આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે જોડાયેલા સંગઠન ટીઆરએફ દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી છે અને તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલા માટે આઇઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીઆરએફએ એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે અમે આ હુમલાની ચેતવણી અગાઉ જ આપી દીધી હતી. આતંકીઓ દ્વારા આ વિસ્તારમાં આવતા પર્યટકોને પણ ધમકી આપી છે.
બીજી તરફ ત્રાલમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં લશ્કરે તોયબાના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓના નામ સફત મુઝફ્ફર સોફી અને ઉમર તેલી છે અને બન્ને આતંકીઓ ઘણા સમયથી આતંકી હુમલાને લઇને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેઓએ પોતાની જગ્યા બદલી હતી અને ત્રાલમાં જતા રહ્યા હતા. જેની જાણકારી સૈન્યને મળતા સર્ચ ઓપરેશન દરમિયાન સામસામે ગોળીબાર થયો હતો.
દરમિયાન જમ્મુ કાશ્મીરના રીઆસી જિલ્લામાં આતંકીઓના છુપાવાની જગ્યાની જાણકારી સૈન્યને મળી છે. આ દરમિયાન તપાસ કરતા મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જેમાં એકે ૪૭, હેન્ડ ગ્રેનેડ વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી ૩૦૭ હટાવવામાં આવી તે પછી ૮૭ નાગરિકો માર્યા ગયા છે અને ૯૯ સુરક્ષા જવાનો શહીદ થયા છે.