બેંગલુરુની 6 શાળાઓમાં બોમ્બ હોવાનો ઇ-મેઇલ મળતા જ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું પરંતુ હજુ સુધી કોઈ પણ શાળામાંથી કોઇ પણ જાતના બોમ્બ મળ્યા નથી.
બેંગલુરુની છ શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈ-મેઈલ આવતા ભારે અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર, હાલ તમામ છ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન, સવારે 11 વાગ્યે એક ઈ-મેઈલ આવ્યો હતો કે શાળાના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ તુરંત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જો કે, સર્ચ ઓપરેશનમાં કોઇ પણ જગ્યાએથી વિસ્ફોટક સામગ્રી નથી મળી આવી. આ મામલે પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી તો તે એક ખોટો મેસેજ એટલે કે ફર્જી મેસેજ હોવાનું લાગી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, કોરોના સંક્રમણ ઓછો થવાના કારણે હવે તમામ શાળાઓ ખુલી ગઇ છે અને છ શાળાઓમાં પરીક્ષાઓ શરૂ હતી એ દરમ્યાન આ ઈ-મેઈલ આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ઈ-મેઈલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તમામ શાળાઓમાં મોકલી દેવાઇ હતી. તમામ શાળાઓ ખાલી કરાવ્યા બાદ તુરંત ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.