દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં અને પૂર્વીય ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછાં 306 લોકોના મોત થયા છે. આગામી દિવસોમાં વાવાઝોડાં સાથે વરસાદ પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, મૃત્યુઆંકમાં વધારો થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે કારણ કે અનેક પરિવારો ગુમ છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે, જેમાં અનેક મકાનો પણ ધરાશાયી થયા છે તો અનેક ઈમારતોને પણ નુકસાન થયું છે. તુદપરાંત કેટલાંક રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. ઇથેક્વિનીના મેયર મૈક્યોલોસી કુંડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ડરબન અને તેની આસપાસના ઇથેક્વિની મેટ્રોપોલિટન વિસ્તારમાં અંદાજે 5.2 કરોડ ડોલરનું નુકસાન થયાનું અનુમાન છે.
ઓછામાં ઓછી 120 શાળાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં જેના કારણે અંદાજે 2.6 કરોડ ડોલરથી પણ વધારે નુકસાન થયું હતું અને આ કારણથી સત્તાવાળાઓએ સમગ્ર વિસ્તારમાં શાળાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. શિક્ષણ પ્રધાન એન્જી મોશેગાએ જણાવ્યું હતું કે, પૂરમાં ઓછામાં ઓછાં 18 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું પણ મોત થયું છે.
તેઓએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ એક એવી દુર્ઘટના છે કે જેના કારણે મોટું નુકસાન થયું છે. ચિંતાની બાબત એ છે કે હજુ પણ વરસાદ શરૂ રહેવાની શક્યતા છે અને પહેલેથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વધારે વણસી જવાની આશંકા છે. દક્ષિણ આફ્રિકાના મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, પ્રશાસનિક મદદની ઊણપને લઇને ડરબનના રિઝર્વવાયર હિલ્સમાં પ્રદર્શન કરી રહેલાં લોકોને હટાવવા માટે પોલીસે સ્ટેનગનનો ઉપયોગ કર્યો હતો. રાહત અને કામગીરીમાં મદદ કરવા માટે ‘સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સ’ તૈનાત કરવામાં આવી છે.