પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા આમ આદમી પાર્ટીએ પ્રતિ મહિના 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે હવે સત્તામાં આવ્યા બાદ પંજાબની આપ સરકારે આ વાયદો પુરો કર્યો છે. પંજાબની ભગવંત માન સરકારે 1 જુલાઇ2022થી તમામ ઘરોમાં 300 યુનિટીફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. આ જાણકારી માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા શેર કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના અધિકારીઓ સરકારે કરેલો વાયદો વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેની ખાતરી કરવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા હતા. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ પાસે ઉપલબ્ધ ડેટા મુજબ, રાજ્યમાં લગભગ 73.80 લાખ ઘરેલું ગ્રાહકોમાંથી, લગભગ 62.25 લાખ, જેમનો વીજ વપરાશ 300 યુનિટ સુધી અથવા તેનાથી ઓછો છે, તેમને લાભ થશે.
વીજ વપરાશ કર્તાની સંખ્યા સિઝન પ્રમાણે બદલાતી રહેશે. 300 યુનિટ વીજળીનો વપરાશ કરનારની સંખ્યા શિયાળામાં વધુ હોઈ શકે છે અને ઉનાળામાં તે ઓછી હોઈ શકે છે. એક ખાનગી સમાચારના જણાવ્યાનુસાર PSPCLના એક અધિકારીએ જણાવ્યું કે, ગ્રાહકોની સરેરાશ સંખ્યા લગભગ 62.25 લાખ છે, જેને અમે ભૂતકાળની કેટલીક વપરાશ પેટર્નના આધારે કામ કર્યું છે. તેમણે કહ્યું કે, જો AAPના વચનને અમલમાં મૂકવામાં આવશે તો લગભગ 84% ગ્રાહકોને ફાયદો થશે.
સબસિડી કેવી રીતે કામ કરશે તે અંગે પૂછવામાં આવતા એક અધિકારીએ કહ્યું કે પંજાબ સરકાર પહેલાથી જ વિવિધ શ્રેણીઓ હેઠળ ઘરેલું ગ્રાહકોને દર વર્ષે રૂ. 3,998 કરોડની સબસિડી આપી રહી છે. નોંધનીય છે કે, SC/BC/BPL ગ્રાહકોને પહેલાથી જ દર મહિને પ્રથમ 200 યુનિટ મફત આપવામાં આવે છે, જેમાં 7 kW સુધીના લોડવાળા ગ્રાહકો માટે વિવિધ સ્લેબ માટે 3 રૂપિયા પ્રતિ યુનિટ ઓછી વીજળી વસૂલવામાં આવે છે.