Satya Tv News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમી વિસ્તારમાં હાઈસ્કૂલ નજીક 3 બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સ્કૂલના બાળકો અભ્યાસ માટે પોતાના ક્લાસમાં જઈ રહ્યા હતા ત્યારે આ બ્લાસ્ટ થયા હતા. આતંરિક બાબતોના વિભાગે અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે થયેલા વિસ્ફોટની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને વિગતો બાદમાં શેર કરવામાં આવશે.

કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરને ટ્વીટર પર જણાવ્યું કે બ્લાસ્ટ અબ્દુલ રહીમ શાહિદ હાઈ સ્કૂલમાં થયો છે અને અમારા અનેક શિયા ભાઈઓ તેમાં ઘાયલ થયા છે. કાબુલ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ કાબુલના શિયા હજારા બહુલ વિસ્તારમાં થયો છે.

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થાપિત થયા બાદ ત્યાંની સ્થિતિ ખૂબ ખરાબ છે. અફઘાનિસ્તાનમાં લોકોને ખાવા-પીવા સહિતની રોજીંદી જરૂરિયાતો માટે ભટકવું પડે છે અને આ પરેશાનીઓ વચ્ચે વિસ્ફોટના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. અગાઉ એપ્રિલની શરૂઆતમાં કાબુલની સૌથી મોટી મસ્જિદમાં હાથ ગ્રેનેડ વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા હતા.

error: