આજના દિવસને આખુ વિશ્વ અર્થ ડે તરીકે ઉજવે છે. સુરત ભલે ફાસ્ટ્ેસ્ટ ગ્રોઇંગ સિટી છે પણ સુરતીઓ દ્વારા કરાતા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન સામે હજી પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. તજજ્ઞોના મતે સુરતમાં રોજનો 91 હજાર ટન કાર્બનડાયોક્સાઇડ સોસવા 4 લાખ વૃક્ષ જોઈએ જેની સામે 3 લાખ આસપાસ વૃક્ષ હોવાથી હજુ 90 હજારની ઘટ છે.
નર્મદ યુનિવર્સીટીના બાયોસાયન્સ વિભાગના પૂર્વ એચ.ઓ.ડી. એસ. કે. ટાંકે જણાવ્યું કે વિકાસની સાથે સાથે વૃક્ષોની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપવું જોઈએ. સરેરાશ એક સુરતી એક દિવસમાં 550 લિટર ઓક્સિજન પર્યાવરણમાંથી મેળવે છે. જેની કિંમત કરવા જઈએ તો 450 રૂપિયા થાય છે. જે વધુ વૃક્ષો વાવીને મેળવી શકાય એમ છે. 60 વર્ષની વ્યક્તિ જન્મથી 60 વર્ષ સુધીમાં રૂ.53 કરોડનો ઓક્સિજન વાપરી ચુકી હોય છે. સામુહિક પ્રયાસ અને જાગૃકતા લાવી શહેરને વધુ હરિયાળું બનાવી શકાય.
શહેરમાં 33 લાખ વાહનો સામે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. 2 વર્ષમાં સુરત આરટીઓમાં રજિસ્ટર થયેલા ઈ-વાહનોની સંખ્યા 3 આંકડામાં પણ નથી. જોકે ચાલુ વર્ષે ઈ-વાહનો પ્રત્ય જાગૃકતા આવી છે. ઈ -વાહનોના વેચાણમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા ઈ- વાહન ખરીદનારને અપાતી છૂટછાટને લીધે પણ લોકો ઈ વાહન તરફ વળી રહ્યા છે.
શહેરમાં વાહનો અને ફેક્ટરી, કંપની અને મિલોની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને લીધે શહેરમાં રોજ 91 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. આ બાબતે ડી. સી. એફ પુનિત નાયરે જણાવ્યું હતું કે સેલ્ફ ડિસિપ્લિન, સામુહિક પ્રયાસથી પર્યાવરણને યોગ્ય રાખી શકીશું.