સુવા ના ગ્રામજનો એ ગૌચર અને સરકારી પડતર જમીનો પર ગેરકાયદે દબાણ તેમજ રોજગારી મુદ્દે કંપનીઓ વિરુદ્ધ માર્ગ પર ઉતર્યા
૨૨૯ હેકટર ગૌચર તેમજ ૧૨૪ હેકટર સરકારી પડતર જમીન મામલે ધરણા પર ઉતર્યા
વાગરા ના સુવા ગામની ગોચર અને સરકારી પડતર જમીન નો મામલો ગરમાઈ જવા પામ્યો છે.ગૌચર અને સરકારી પડતર જમીનો પણ દબાણ કરનારી કંપનીઓ વિરુદ્ધ આવેદન આપ્યા બાદ કોઈજ કાર્યવાહી નહિ થતા ગ્રામજનોએ ધરણા પર ઉતરી પડ્યા હતા.ધરણા પ્રદર્શન ને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વાગરા તાલુકાના સુવા ગામની ગૌચર તેમજ સરકારી પડતર જમીનો પર કેટલીક કંપનીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા માટે અને લેન્ડ લુઝરોને નોકરીઓમાં સમાવેશ કરવા ગામ લોકોએ ધરણા નો માર્ગ અપનાવ્યો હતો.ગ્રામજનોએ વારંવાર ની માંગ કરવા છતાં સંબંધિત સરકારી તંત્ર દ્વારા કોઈ જ હકારાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા સુવા ગ્રામજનોએ માર્ગ પર ઉતરવાની ફરજ પડી હતી.અત્રે નોંધનીય છે કે તા. ૨૪ માર્ચના રોજ સુવા ગ્રામપંચાયત ના સરપંચ સહિત ની બોડીએ ભરૂચ જિલ્લાના કલેકટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૌસેવા આયોગ ને ઉદ્દેશીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુજબ સુવા ગામની સર્વે નંબર ૪૧૧ વાળી ૨૨૯ હેકટર જમીન ગૌચર માટે તેમજ ૧૨૪ હેકટર જમીન સરકારી પડતર માટે રાખવામાં આવી હતી.જેની ઉપર કેટલીક કંપનીઓ દ્વારા મોટાપાયે દબાણો ઉભા કરવામાં આવ્યા છે.તો વળી કંપનીઓ દ્વારા સરકારી જમીન ઉપર બાઉન્ડ્રી વોલ બનાવી અનઅધિકૃત કબજો પણ કરવામાં આવેલ છે.આવેદનમાં લેન્ડ લુઝર્સ ને કંપનીઓ નોકરીમાં નહિ રાખતી હોવાની રજુઆત સાથે શિક્ષિત બેરોજગાર જમીનગુમાવનાર ધરતી પુત્રો ને કંપની માં રોજગારી આપવા પણ માંગ કરવામાં આવી હતી.સાથે જ દબાણ કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ઉપરાંત દંડ ફટકારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.જો ઉક્ત માંગો પુરી કરી દબાણો ને નહિ હટાવાય તો કંપની સામે જલદ આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.તેમ છતાંય સરકારી સત્તાધીશો ના પેટ નું પાણી ન હાલતા આખરે ન છૂટકે સુવા ગ્રામપંચાયત ના સરપંચ સહિત અનેક ગ્રામજનો પોતાની માંગો ને લઈ ને રસ્તા ઉપર ઉતરી આવી ધરણા પર બેસી ગયા હતા.જેને પગલે દહેજ પોલીસ નો કાફલો ધરણા સ્થળે દોડી આવ્યો હતો.તો બીજી તરફ ઉદ્યોગ જગતમાં આંદોલન ને પગલે તરેહ તરેહ ની ચર્ચાઓ એ સ્થાન જમાવી દીધુ હતુ.
ધરણા કાર્યક્રમ માં સરપંચ,ડે. સરપંચ,ગ્રામ પંચાયત ના સભ્યો,ગામ અગ્રણીઓ સહિતના ગ્રામજનો જોડાયા હતા.ધરણા કાર્યક્રમ ને પગલે GIDC ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
સુવા ગામની ગૌચર જમીન પર ઓપાલ કંપનીએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો…..!!!!
સુવા ગ્રામપંચાયત સત્તાધીશો દ્વારા ઓપાલ અને અદાણી તથા એસ.આર.એફ તેમજ સેઝ મા આવેલ કંપનીઓ થકી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવાની રજૂઆતો કરાઈ છે.વધુમાં ઓપાલ કંપની એ ગ્રામપંચાયત ની કાયદેસરની મંજૂરી વિના પાકો રોડ બનાવી દેવાયો છે.જે અંગે સુવા ગ્રામપંચાયત ના સત્તાધીશો એ ઉચ્ચ કક્ષાએ સદર દબાણો દૂર કરવા રજુઆત કરવામાં આવી છે.જો કે તંત્ર આ બાબતે કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢી ગયુ હોવાના આક્ષેપો પણ ગ્રામજનો તરફથી કરાયા હતા.
સુવા ગ્રામપંચાયત ના સત્તાધીશો એ સરકાર સમક્ષ કઈ-કઈ માંગો મૂકી……..?????
વાગરા તાલુકાના સુવા ગ્રામપંચાયત ની કાર્યરત બોડી દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદન પાઠવી સુવા ગામની સરકારી જગ્યા પર કંપની ઓ થકી કરાયેલ દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.કંપનીઓને ફાળવેલ ગૌચર જમીન જે હાલ વણવપરાયેલ હાલતમાં ખુલ્લી પડી છે તે ગ્રામપંચાયત સુવા ને પરત કરવામાં આવે.તેમજ સેઝ સ્થિત કંપનીઓ એ કરેલ દબાણો દૂર કરી તેમની પાસેથી દંડ વસુલવામાં આવે.અને દંડ ની રકમ ગૌચર વિકાસમાં ફાળવવામાં આવે.વધુમાં જી.આઈ.ડી.સી.દ્વારા આપવામાં આવેલ વચન અનુસાર કંપનીઓમાં સ્થાનિક લેન્ડ લૂઝર્સ ને નોકરીમાં સમાવવામાં આવે તેવી વિવિધ માંગો સુવા ગ્રામપંચાયત ના સત્તાધીશો દ્વારા ઉચ્ચારવામા આવી છે.
ઓપાલ ના રાજપૂત ઉવાચ……!!!
કોર્પોરેટ એચ.આર.હેડ સાથે વાત કરો………
સુવા ગ્રામપંચાયત દ્વારા ભરૂચ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમાં ઓપાલ કંપની દ્વારા સુવા ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવાયો હોવાની રજુઆત બાબતે ઓપાલ કંપની નો કોર્પોરેટ અફેર્સ નો હવાલો સંભાળતા રાજપૂત નો ટેલિફોન સંપર્ક સાધતા તેઓએ પોતાના ભત્રીજા ના લગ્નમાં યુ.પી.ગયા હોવાનું અને મારી પાસે કોઈ જ માહિતી ન હોવાનુ જણાવ્યુ હતુ.સાથે જ સદર માહિતી બાબતે ઓપાલ ના કોર્પોરેટ એચ.આર.સાથે વાત કરવા સલાહ આપી હતી.તો બીજી તરફ ઓપાલ ના એચ.આર. હેડ નિર્મેશ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ આ સંદર્ભે વાતચીત કરવા માટે હું ઓથોરાઈઝ પરસન નથી.તમો વડોદરા કોર્પોરેટ ઓફીસ નો નંબર મેળવી ને ત્યાંથી માહિતી લઈ શકો છો.આમ ઓપાલ ના અધિકારીઓ ની બાય બાય ચારણી ની રમત હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.
“અત્યારે હું દિલ્લી માં છું”….”સાંજે અથવા મોડે થી ફોન કરો” : દિનેશ બાબુ (એચ.આર.હેડ,એસ.આર.એફ)
સુવા ગામના આંદોલન કારીઓ ના આક્ષેપો સંદર્ભે એસ.આર.એફ. કંપની ના એચ.આર.હેડ દિનેશ બાબુ નો મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે અત્યારે દિલ્લી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે મોડે અથવા સાંજે ફોન કરશો.ત્યારે તેઓ ને આ વિવાદ છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યો છે તેમ છતાંય તમો આ બાબત થી અજાણ છો તેવો સવાલ કરતા જ દિનેશ બાબુએ ફોન ડિસ્કનેક્ટ કરી નાંખ્યો હતો