ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં આવેલી IMS એન્જીનિયરિંગ કોલેજમાં લિફ્ટ તૂટવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકના પગમાં ફ્રેક્ચર થયું છે તો બીજાને પીઠમાં ઇજા થઇ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મળતી જાણકારી અનુસાર, BBA, BCA અને MIBના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગાજિયાબાદના મસૂરી ક્ષેત્રમાં આવેલ IMS કોલેજમાં અચાનક લિફ્ટનું થમ્બલ તૂટવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તમને જણાવી દઇએ કે, લિફ્ટમાં 12 જેટલાં વિદ્યાર્થીઓ હતાં. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતા જ કોલેજ પ્રશાસને લિફ્ટમાં ફસાયેલા ઘાયલ વિદ્યાર્થીઓને જેમ-તેમ કરીને બહાર નીકાળ્યા અને તુરંત તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતાં. હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તમામની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીઓના પરિવારજનોને પણ આ દુર્ઘટના અંગેની સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં જ ગાજિયાબાદમાં એક સ્કૂલ બસની અંદર એક દુર્ઘટના ઘટી હતી જેમાં એક 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ સ્કૂલ બસની બહાર એક બાળકે મો નીકાળતા તેનું માથું એક થાંભલા સાથે ટકરાતા તેનું મોત નિપજ્યું હતું. તેને લઇને મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ મોદીનગરમાં રસ્તાને જામ કરી દીધો હતો અને બાળકના મોત માટે સ્કૂલ પ્રશાસનને જવાબદાર ગણાવ્યું હતું.
ચોથા ધોરણમાં ભણતા અનુરાગ નેહરા નામનો છોકરો સવારમાં બસમાં બેસીને સ્કૂલે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉલ્ટી થતા તેણે માથુ બહાર કાઢ્યું હતુ અને તેનું માથું થાંભલા સાથે જોરદાર રીતે અથડાયું હતું અને આ ઘટનામાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને સ્કૂલ બસમાં જ તેનું મોત થયું હતું. આ ઘટના બન્યા બાદ બસ ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે સ્કૂલ સાથે સંકળાયેલા કેટલાંક લોકોની અટકાયત પણ કરી હતી.
ચોથા ધોરણનો વિદ્યાર્થી અનુરાગ નેહરા સવારે ઘરેથી સ્કૂલ બસમાં આવી રહ્યો હતો, ત્યારે જ તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત બાદ સ્કૂલ બસમાં તેના લોહીના ડાઘા અને તૂટેલા કાચ જોવા મળ્યાં હતા. જ્યાર બાદ મોતના આ ભયાનક દ્રશ્યને જોઈને લોકો ચોંકી ગયા હતાં. બાદમાં લોકોએ સ્કૂલમાં જઈને તોડફોડ કરી હતી.