લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા..’ ફરી એકવાર ચર્ચામાં છે. આ શો વિવાદને કારણે ચર્ચામાં આવી છે. શોના એક એપિસોડમાં સ્વ. લિજેન્ડરી સિંગર લતા મંગેશકર અંગે વાત કરવામાં આવી હતી. મેકર્સે માફી પણ માગી છે.
થોડાં સમય પહેલાં સિરિયલના એક એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં મ્યૂઝિકલ નાઇટ બતાવવામાં આવી હતી. અહીંયા આઇકોનિક સોંગ્સ પર ચર્ચા ચાલતી હતી. આ ચર્ચામાં લતાજીના મોસ્ટ પોપ્યુલર ગીત ‘એ મેરે વતન કે લોગો..’ અંગે ખોટી માહિતી આપવામાં આવી હતી. અહીંયા કહેવામાં આવ્યું હતું કે આ ગીત 1965માં રિલીઝ થયું હતું. આ એપિસોડ ઓનએર થયા બાદ ઘણો જ વિવાદ થયો હતો. હવે મેકર્સે સો.મીડિયામાં માફી માગી છે.
માફીનામામાં કહેવામાં આવ્યું છે, ‘અમે અમારા દર્શકો, ચાહકો તથા શુભેચ્છકોની માફી માગીએ છીએ. એપિસોડમાં અમારાથી અજાણતા કહેવામાં આવ્યું કે ‘એ મેરે વતન..’ ગીત વર્ષ 1965માં રિલીઝ થયું છે. જોકે, અમે અમારી ભૂલ સુધારવા માગીએ છીએ. આ ગીત 26 જાન્યુઆરી, 1963માં રિલીઝ થયું હતું. અમે વચન આપીએ છીએ કે ભવિષ્યમાં અમે વધુ સાવચેતી રાખીશું. અમે તમારા પ્રેમ તથા સપોર્ટની પ્રશંસા કરીએ છીએ.’