Satya Tv News

દેશમાં એક વાર ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. દિવસે ને દિવસે સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સતત ઝડપથી વધી રહેલા કોરોના કેસની વચ્ચે સરકાર ટૂંક સમયમાં જ રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ઘટાડીને 6 મહિના સુધી કરી શકે છે. જણાવી દઇએ કે, હાલમાં કોરોનાના બીજા ડોઝના 9 મહિના બાદ જ બુસ્ટર ડોઝ અપાય છે.

એજન્સી અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ની બેઠક 29 એપ્રિલે યોજાવાની છે. આ મીટિંગમાં, સલાહકાર જૂથ બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનો સમય ઘટાડવાની ભલામણ કરી શકે છે.

અગાઉ ICMR અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓએ સલાહ આપી હતી કે, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના 6 મહિના બાદ એન્ટિબોડીનું સ્તર ઓછું થઇ જાય છે. આવી સ્થિતિમાં હાલમાં બુસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બીજા ડોઝના 9 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવવાની મંજૂરી છે.

આ મામલાને લગતા અધિકારીઓએ કહ્યું કે, દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોના સૂચનો અને અભ્યાસના પરિણામોના આધારે કોરોના રસીના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનો સમય 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી શકાય. જો કે, અંતિમ નિર્ણય NTAGIના સૂચન પર લેવામાં આવશે. શુક્રવારે NTAGIની મહત્વની બેઠક યોજાવાની છે.

કોરોના રસીનો બુસ્ટર ડોઝ સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે. 29 માર્ચે, રાજ્યસભામાં આરોગ્ય રાજ્યમંત્રી, ડૉ. ભારતી પવારે જણાવ્યું હતું કે કોવેક્સિનના બુસ્ટર ડોઝના પ્રભાવને તપાસવા માટે ICMR એ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં કોરોના વિરૂદ્ધ એન્ટિબોડી વધવાની વાત સામે આવી હતી.

તેઓએ કહ્યું હતું કે, એસ્ટ્રાજૈનેકા અથવા તો કોવિશિલ્ડના ત્રીજા ડોઝ અંગે જે આંતરરાષ્ટ્રીય ડેટા સામે આવ્યા છે તે મુજબ આ રસીના ત્રીજા ડોઝ બાદ એન્ટિબોડીઝમાં 3થી 4 ગણો વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ SII ના CEO અદાર પૂનાવાલાએ પણ કહ્યું હતું કે, ‘બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો તફાવત 6 મહિના સુધીનો કરવો જોઈએ.’ દેશમાં ધીરે-ધીરે કોરોનાથી રાહત મળી રહી હતી એ દરમિયાન હવે કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ કે જેમાં બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનો તફાવત છે. જેને ઘટાડવા ખુદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

error: