નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસ ફરી ઉથલો મારી રહ્યો છે. જેને પગલે દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસો વધીને ત્રણ હજાર સુધી પહોંચી ગયા છે. જ્યારે વધુ ૩૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસોમાં પણ ૬૪૩નો વધારો થયો છે અને આંકડો ૧૬ હજારને પાર જતો રહ્યો છે. દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૬૫,૪૯૬એ પહોંચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોના મહામારી અંગે બેઠક યોજી હતી, જેમાં તેમણે રસીકરણ વધારવા પર પણ ભાર મુક્યો હતો. દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૮૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાને કારણે જે લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને વળતર આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જેને પગલે જે પરિવાર દ્વારા વળતર માટે અરજી કરવામાં આવે છે તેમને વળતર અપાય છે. આ સ્થિતિ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વળતરની અરજી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
હવેથી કોરોનાને કારણે મોત નિપજે તેના ૯૦ દિવસની અંદર વળતર માટે અરજી કરી દેવાની રહેશે. જે લોકોના કોરોનાને કારણે ૨૦મી માર્ચ ૨૦૨૨ પહેલા થયા હશે તેઓએ બે મહિનાની અંદર અરજી કરવાની રહેશે. એટલે કે ૨૦ માર્ચ પછી કે ભવિષ્યમાં કોરોનાને કારણે મોત નિપજે તો ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે. બીજી તરફ કેરળમાં કોરોનાના કેસો વધતા હવેથી માસ્ક પહેરવું ફરીથી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લોકો આ નિયમોનો ભંગ કરે તેમની પાસેથી દંડ વસુલવાના આદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. હાલ કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એવામાં હવેથી કોરોનાનો બીજો અને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમયગાળો નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવા સરકાર વિચારી રહી છે.