રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે, ત્યારે એપ્રિલમાં જ ઉનાળો અસહનીય બની રહ્યો છે. આજે બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં પણ હજુ લોકોને ગરમીથી રાહત મળશે નહીં. વેધર.કોમ મુજબ આગામી રવિવાર સુધી લઘુત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27-28 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી અને સુરતમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હીટવેવનું જોર વધશે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં 2016માં નોંધાયું હતું 48 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં વર્ષ 2016માં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 16 મે 2016ના રોજ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્યથી 6 ડિગ્રી વધારે હતું. આ પહેલા 1916ના વર્ષમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરિણામે એક સદી જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.
એપ્રિલ મહિનામાં ગરમીની વાત કરીએ તો 27માંથી 26 દિવસ 41 ડિગ્રીથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે, જેમાં 2 વખત તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. આ પહેલા 8મી એપ્રિલના રોજ શહેરમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત એપ્રિલનું સરેરાશ તાપમાન પણ 42 ડિગ્રી આસપાસ રહ્યું છે. આ વર્ષે 27 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં એકપણ દિવસ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું નથી.