મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યું હતું, જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઊતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા. ડીજેની ધૂન પર તેનો ડાન્સ એટલો લાંબો ચાલ્યો કે છોકરીના પિતા રોષે ભરાયા અને લગ્નમાં પહોંચેલા એક અન્ય છોકરાને બોલાવીને તેની સાથે પોતાની છોકરીના લગ્ન કરાવી દીધા.
આ કહાની સાંભળવામાં ભલે ફિલ્મી લાગે, પરંતુ આ એકદમ હકીકત છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની આ ઘટના છે. યુવતીના પિતાનો આરોપ છે કે વરરાજા દારૂના નશામાં ધૂત હતો, તેથી તેમણે પોતાની દીકરીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા.
યુવતીના પિતાનું એમ પણ કહેવું હતું કે જાન મુહૂર્ત પછી સાંજે 4 વાગે પહોંચી હતી અને વરરાજા 8 વાગ્યા સુધી નાચતા જ રહ્યા. મોડું આવવાનું કારણ પૂછતાં જાનૈયા મારપીટ પર ઊતરી આવ્યા. ત્યાર બાદ છોકરીવાળાઓએ દુલ્હા સહિત જાનૈયાઓને ઢોરમાર માર્યો અને ખવડાવ્યા વગર જ ત્યાંથી ભગાડી દીધા.
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે જાન ગેટ સુધી આવી ગઈ હતી અને લગ્ન ન થાત તો પરિવારની બદનામી થાય એવું હતું. એવામાં મામલો પંચાયત પાસે પહોંચ્યો અને છેલ્લે નક્કી થયું કે આ જ મંડપમાં યુવતીના લગ્ન થશે, પરંતુ કોઈ અન્ય જોડે.
ત્યાર બાદ તપાસ શરૂ કરવામાં આવી અને જાનમાં જ આવેલા એક યુવક યુવતીના પિતાને પસંદ આવી ગયો. પિતાએ તે યુવક સાથે વાત કરતાં તે લગ્ન માટે રાજી પણ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે યુવક અને યુવતી સારા મિત્રો છે.
બીજા વરને પામીને દુલ્હન પ્રિયંકા ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું હતું કે સારું છે કે લગ્ન પહેલાં જ ખ્યાલ આવી ગયો કે વરરાજા દારૂ પીવે છે. તે નાચી રહ્યો હતો અને હું વરમાળા પકડીને કલાકો સુધી ઊભી રહી હતી. જાનમાં તેના આ વ્યવહારથી અમારો સમગ્ર પરિવાર હેરાન-પરેશાન હતો. સારું થયું કે તેની હકીકત પહેલાં જ સામે આવી ગઈ.
લગ્નના મંડપમાંથી ભગાડવામાં આવ્યા બાદ પહેલા વરરાજાએ પણ બીજા દિવસે ધામધૂમથી બીજી છોકરી સાથે લગ્ન કર્યા. જોકે આ લગ્ન પહેલાં તેણે ડાન્સ કર્યો ન હતો અને ન તો તેના મિત્રો અને સંબંધીઓ દારૂ પીતા હતા. વરરાજાએ કહ્યું હતું કે ભગવાન જોડીઓ બનાવે છે, જ્યાં લગ્ન લખ્યા હોય ત્યાં જ થાય છે.