Satya Tv News

સુરતમાં લિંબાયતમાં બી.આર.ટી.એસ કેનાલ રોડ સમ્રાટ વિદ્યાલય બસ સ્ટેન્ડ પાસે નહેરમાંથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી એટલા મોટા પ્રમાણમાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે કે જાણે ચોમાસામાં ધોધમાર વરસાદ થયો હોય ત્યારબાદ જ સ્થિતિ જોવા મળતી હોય છે એવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઉનાળા દરમિયાન લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ઓછા પ્રેશરથી પાણી પહોંચી રહ્યું છે અને તેમાં આ પ્રકારની નિષ્ક્રિયતા એ ખરેખર દુઃખની બાબત છે. જોકે, સિંચાઈ વિભાગના અધિકારીએ કહ્યું કે લોકો દ્વારા કેનાલમાં કચરો નાખવાને કારણે બ્લોકેજ થઈ રહ્યું છે અને તેને કારણે પાણી કેનાલમાંછી બહાર આવી રસ્તા પર વહી રહ્યું છે

લિંબાયત વિસ્તારના બીઆરટીએસ કેનાલ પાસેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ નહેરમાંથી પાણી ઊભરાતું હોવાનું જોવા મળી રહ્યું છે. મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલી રહ્યું નથી. આ વિસ્તારમાં અગાઉ પણ આજ સ્થિતિ જોવા મળી હતી અને નહેરમાંથી પાણી બહાર સતત આવતું રહે છે. સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા નથી.

YouTube player

સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રેરણા રાજપૂતે જણાવ્યું કે આ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ આખી નહેર સાફ કરાવી હતી. પરંતુ અમારા માટે મુશ્કેલી એ છે કે અહીં લોકો નહેરને કચરાપેટી સમજે છે. વારંવાર કહેવા છતાં પણ અહીં લોકો નહેરમાં મોટા પ્રમાણમાં કચરો નાખતા હોય છે તેને કારણે શહેરમાં બ્લોકેજ થઈ રહ્યા છે. એક જ જગ્યાએ અમારા વિભાગ દ્વારા પણ કેટલી વખત સાફ કરવું એ પણ મોટો પ્રશ્ન થઈ જાય. કોર્પોરેશનના અધિકારીઓએ વિશેષ કરીને આરોગ્ય વિભાગ દ્વારા નહેર સ્વચ્છ રહે તેના માટે આસપાસના લોકો કચરો નહેરમાં ન નાંખે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. વારંવાર અને નહેરમાં કચરો ફેંકવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં બ્લોકેજ થઈ જાય છે એને કારણે પાણી વધુ બહાર નીકળી રહ્યું છે. સિંચાઇ વિભાગથી વધારે પડતું પાણી છોડવામાં આવતું નથી કે તેને કારણે આ સ્થિતિ ઉભી થાય પરંતુ સ્થાનિક લોકોની બેદરકારીના કારણે આ સ્થિતિ ઉભી થઇ રહી છે.

error: