સુરત તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા
બે બાળકોના મૃતદેહ મળી આવ્યાં,એકની શોધખોળ ચાલુ
કિનારા પાસે ઉંડો ખાડો હોવાથી ત્રણેય બાળકો ગરક થયા બાદ નીકળી ન શક્યા
રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલા 2 બાળકો અને 1 કિશોરી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા.જે પૈકી 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે મોડે સુધી એક બાળકીનો પત્તો લાગ્યો ન હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે શોધખોળને અંતે બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે મોડીસાંજ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી.
બનાવને પગલે રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ અને 14 વર્ષની સાનિયા ફારૂક શેખ બપોરે 3 વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત