યસ બેંક (Yes Bank) છેતરપિંડી કેસમાં CBI તપાસ નવી દિશામાં આગળ વધી રહી છે. તપાસ એજન્સીએ શનિવારે વિનોદ ગોયંકા અને શાહિદ બલવાના ઠેકાણાઓ પર દરોડા પાડીને તલાશી હાથ ધરી હતી.
જાણવા મળ્યા મુજબ CBIએ મુંબઈ અને પુણેમાં 8 સ્થળોએ દરોડો પાડ્યો છે. CBI પુણેમાં બિલ્ડર વિનોદ ગોયંકા અને મુંબઈમાં શાહિદ બલવા તથા અવિનાશ ભોસલેના સ્થળોએ તલાશી લઈ રહી છે. CBIએ YES Bank-DHFL છેતરપિંડી કેસની તપાસના અનુસંધાને આ પ્રકારે દરોડો પાડ્યો છે. CBIએ 2 દિવસ પહેલા જ પ્રખ્યાત બિલ્ડર સંજય છાબડિયાની ધરપકડ કરી હતી.
યસ બેંક અને DHFL છેતરપિંડી કેસમાં CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસ કરી રહી છે. આ મામલો યસ બેંકના સ્થાપક રાણા કપૂર DHFLને ફાયદો કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવા સંબંધિત છે. હકીકતમાં યસ બેંકે DHFL ડિબેન્ચરમાં આશરે રૂ. 3,700 કરોડનું રોકાણ કર્યું હતું અને તેના બદલામાં રાણા કપૂર અને તેમના પરિવારે તેનો વ્યક્તિગત લાભ લીધો હતો.
SBIએ માર્ચ 2020માં આ મામલે કેસ પણ નોંધ્યો હતો. SBIએ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. આ સાથે તે આ કેસમાં ભ્રષ્ટાચાર અંગે પણ તપાસ કરી રહી છે.