Satya Tv News

પત્ની પિયરમાં રીસામણે જતી રહેતા સીમાડામાં રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો. તો લગ્ન ન થતા હોવાથી અમરોલીમાં યુવાને ફાંસો ખાધો હતો. માતા-પિતાએ વ્યસન બાબતે ઠપકો આપતા સચીનમાં ખેતરમાં ઝાડ પર યુવકે ફાંસો ખાધો હતો. ઉતરાણમાં મહિલાએ ઝેર પી આપઘાત કર્યો હતો

ભાવનગરના વતની અને સીમાડામાં રહેતા જતીનભાઈ ઈટાલીયા હીરાના કારખાનામાં કામ કરતા હતા. 3 મહિનાથી પત્ની પિયરે રીસામણે જતા રહેતા શુક્રવારે જતીનભાઈએ ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતાં બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

વધુ એક બનાવમાં અમરોલીમાં રહેતા રાકેશભાઈ સોલંકી(28) હીરાના કારખાનામાં સફાઈ કામ કરતા હતા. શુક્રવારે તેમણે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. અમરોલી પોલીસની પ્રાથમિક તપાસમાં લગ્ન થતા ન હોવાથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત ઉતરાણમાં રહેતા ચંદ્રીકાબેન રાઠોડ(42)ના પતિ ઈલેક્ટ્રિશ્યન તરીકે કામ કરે છે. શુક્રવારે સાંજે ચંદ્રીકાબેને અનાજમાં નાંખવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં ખસેડાતા ટંૂકી સારવાર બાદ મોત થયું હતું.

અન્ય બનાવમાં નવસારીમાં રહેતો શ્રવણ દોપે(20)સચીન નજીક કપ્લેથા ગામ પાસે ઈટના ભઠ્ઠામાં કામ કરતો હતો. મીંઢોળા નદી પાર કરી રોજ ભઠ્ઠા પર કામ કરવા માટે આવતો હતો. શ્રવણ થોડો સમયથી વ્યસનના રવાડે ચડ્યો હોવાથી માતા-પિતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું માઠુ લાગી આવતા 2 દિવસ પહેલા કોઈક સમયે શ્રવણે કપ્લેથામાં વિદેશમાં રહેતા પરિવારના ખુલ્લા પડતર ખેતરમાં ગુંદીના ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો.

શુક્રવારે કોઈક રાહદારીની નજર પડતા પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા સચીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પહેલા શ્રવણની ઓળખ થઈ શકી ન હતી. જોકે ઈટના ભઠ્ઠાના માલીકોને ફોટો મોકલ્યા બાદ શ્રવણની ઓળખ થઈ હતી.

error: