ભરૂચના જંબુસર નગરમાં આજે બુધવારે વહેલી સવારે વીજ કંપનીની 39 વિજિલન્સ ટીમોએ ત્રાટકી હાથ ધરેલા ઓપરેશનમાં 1150 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. જેમાં 36માંથી રૂ. 12.36 લાખની માતબર વીજચોરી ઝડપાઇ હતી.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજે 23 માર્ચ અને બુધવારે વહેલી સવારે જંબુસર શહેર કચેરી ખાતે વીજચોરીને ડામવા માટે પોલીસ બંદોબસ્ત સાથે વીજ જોડાણ ચેક કરવા માટે ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 39 ટીમો દ્વારા 1150 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 36 કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ લગભગ રૂપિયા 12.36 લાખની વીજચોરી પકડાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.