Satya Tv News

અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સોમવારે મોડી સાંજે એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. જોકે, બાળકીના પિતાએ સિંહ પાછળ દોટ મૂકી બાળકીને સિંહના મોઢામાંથી છોડાવી હતી. પણ અફસોસ પિતા પોતાની વહાલસોઇ દીકરીને બચાવી શક્યા ન હતા.

અમરેલી જિલ્લાના બગસરના કડાયા ગામે સુક્રમભાઈ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની એક 5 વર્ષીય દીકરી નિકીતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે અચાનક સિંહ આવી ચડ્યો હતો અને બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. જોકે, પિતા સુક્રમભાઈનું ધ્યાન જતાં તેમણે સિંહ પાછળ દોડ મૂકી હતી.

ગામ લોકોના કહેવા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને બાળકીને બચાવવાના અઢળક પ્રયાસ કર્યાં હતા પણ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વનવિભાગને જાણ થતાં વનવિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે, સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

ગ્રામજનોએ સ્થળ ઉપર સિંહને તાકીદે ઝડપી પાડવા માટે ઉગ્ર માંગ ઉઠાવી હતી. ખેડૂતોને કેવી રીતે વાડી વિસ્તારના અવર જવર કરવી સહિત અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માંગ ઉઠાવી હતી. જ્યારે વનવિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે.

Created with Snap
error: