ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર જોઈએ તો, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 3805 નવા કેસ નોંધાયા છે, અને 22 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન 3168 લોકો આ વાયરસથી સાજા થયા છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમકના એક્ટિવ કેસની સંખ્યા હવે 20303 પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમણના 0.05 ટકા છે.
કાલે એટલે કે, 6 મેના રોજ દેશમાં કોવિડ 19ના 3545 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 27 દર્દીઓના મોત પણ થયા હતા. આવી જ રીતે 24 કલાકની અંદર નવા કેસ મામલામાં લગભગ 300નો વધારો થયો છે. પણ મોતના કુલ આંકડામાં 5ના ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી દેશનું કોવિડ હોટસ્પોટ બની રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1656 નવા કેસ આવ્યા છે. જો કે, આ દરમિયાન કોઈ પણ દર્દીનું કોવિડથી મોત થયું નથી. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 1306 લોકો એ કોરોનાને માત પણ આપી છે. તેની સાથે જ દિલ્હીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6096 થઈ ગઈ છે અને સંક્રમણ દર વધીને 5.39 ટકાએ પહોંચી ગયો છે.
ભારતમાં કોવિડ રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે. દૈનિક પોઝિટિવિ રેટ 0.78 ટકા છે. જ્યારે અઠવાડીયાનો પોઝિટિવિટી રેટ 0.79 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 84.03 કરોડ કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,87,544 સેમ્પલનું પરીક્ષણ થયું છે. દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા હવે 4,25,54,416 થઈ ગઈ છે. 7 મે સુધીમાં ભારતમાં કોવિડ રસીકરણ કવરેજ 190 કરોડથી વધારે થઈ ગયું છે. અત્યાર સુધીમાં 12-14 વર્ષના 3.01 કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.