મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં એક જ પરિવારના 5 સભ્યોના તળાવમાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે. ફાયર બ્રિગેડની મદદથી મોડી રાત્રે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુ:ખદ ઘટના મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલીના સંદપ ગામની છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં પાણીની અછતને કારણે પરિવારના લોકો તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા. મહિલાઓ કપડા ધોઈ રહી હતી ત્યારે તેમની સાથેનું એક બાળક તળાવમાં પડી ગયું અને તેને બચાવવા માટે એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. અને 5 લોકો તળાવમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ મીરા ગાયકવાડ, તેમની વહૂ અપેક્ષા, પુત્ર મયૂરેશ, મોક્ષ અને નિલેશ તરીકે થઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક મહિલા અને તેમની વહૂ તળાવમાં કપડા ધોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં નજીકમાં બેઠેલો એક બાળક અચાનક લપસીને તળાવમાં પડી ગયો અને તે ડૂબવા લાગ્યો હતો. ત્યાં હાજર પરિવારના અન્ય 4 સદસ્યોએ બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બધા ડૂબી ગયા.
ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. ગ્રામજનો આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. આ સાથે ગ્રામજનોની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી છે.