દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીનો એક સભ્ય કોરોના સંક્રમિત થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે હાજર એક નેટબોલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારપછી, આ ખેલાડી સાથે હોટલના રૂમમાં રહેતા અન્ય ખેલાડીને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જોકે, IPL અને દિલ્હી કેપિટલ્સ દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીની આજની મેચ સહિત 4 મેચ બાકી છે.
IPLની 15મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનો આ પહેલો કેસ નથી. અગાઉ, કોચિંગ સ્ટાફના ચાર સભ્યો જેમાં બે વિદેશી ખેલાડીઓ ટિમ સેઈફર્ટ અને દિલ્હી કેપિટલ્સના મિશેલ માર્શનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચૂક્યો છે.
દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગના પરિવારના સભ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી પોન્ટિંગને થોડા દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડ્યું હતું. જેના કારણે તે કેટલીક મેચોમાં ટીમ સાથે હાજર રહ્યો ન હતો.
અગાઉ દિલ્હી કેપિટલ્સના 2 ખેલાડીઓ અને 4 અન્ય સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દિલ્હીની આખી ટીમને ક્વોરેન્ટીન કરવામાં આવી હતી. તે જ સમયે, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથેની મેચ પુણેથી મુંબઈ શિફ્ટ કરી દેવાઈ હતી.