Satya Tv News

શ્રીલંકામાં આર્થિક સંકટથી ઉપજેલો અસંતોષ હવે ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જ્યાર બાદ તેમના વિરોધીઓ પણ ગુસ્સે થયા હતા. જ્યારે રાજપક્ષેના સમર્થકોએ કોલંબો છોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. બીજી તરફ, વિરોધીઓએ હંબનટોટામાં મહિંદા રાજપક્ષેના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી. આ સાથે રાજધાની કોલંબોમાં પૂર્વ મંત્રી જોનસન ફર્નાન્ડોને કાર સહિત તળાવમાં ફેંકી દેવામાં આવ્યા.

સોમવારે હજારો પ્રદર્શનકારીઓએ પીએમના સત્તાવાર નિવાસસ્થાન ‘ટેમ્પલ ટ્રી’નો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો અને અહીંયા ઉભેલી એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ નિવાસસ્થાનની અંદર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આંદોલનકારી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હવામાં ગોળીબાર કર્યો.

શ્રીલંકાની 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાએ પીએમના નિવાસસ્થાને થયેલી હિંસા માટે શ્રીલંકા પોડુજાના પેરામુના (SLPP) પાર્ટીને જવાબદાર ઠેરવી છે. રણતુંગાએ કહ્યું કે, SLPP એ જ લોકોના હિંસક ટોળાને એકત્ર કર્યા હતા.

શ્રીલંકાના સાંસદ અમરકીર્તિ અથુકોરલાના મૃત્યુના સમાચાર પણ ગત દિવસે સામે આવ્યા હતા. અહેવાલ અનુસાર, અમરકીર્તિએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં ભીડથી બચવા માટે બિલ્ડિંગમાં છુપાઈ ગયો. અહીંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેનું મોત ક્યા કારણે થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

error: