ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં
સંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા
આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જો કે આ સમારોહમાં સંબોધન દરમ્યાન PM મોદી ભાવુક થયા હતાં. સંબોધન દરમ્યાન એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી થોડોક સમય સુધી તો કંઇ જ ન બોલી શક્યા
આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી યોજનાના લાભાર્થીઓએ PM મોદી માટે ખાસ વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ બહેનો અને માતાઓએ પીએમ મોદીને ભાઈ અને દીકરા તરીકે તેમને આ રાખડી અર્પિત કરી હતી. તદુપરાંત વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વિત અયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ સાથે સીધો સંવાદ સાધતી વખતે પીએમ મોદી ભાવુક થયા હતા. જ્યારે તેઓએ સાંભળ્યું કે, અયુબભાઈની દીકરી પોતાના પિતાની આંખની બિમારી જોઈને ડૉક્ટર બનવા માંગે છે અને જરુરિયાતમંદ લોકોની સેવા કરવા ઇચ્છે છે ત્યારે બાપ-દીકરી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો જ નહીં પરંતુ ખુદ PM મોદી પણ ભાવુક થઈ ગયા હતા.