જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે SPO રિયાઝ થોકર પુલવામામાં તૈનાત હતા. આતંકવાદીઓએ તેમના પર ગુડરૂમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં રિયાઝને ગોળી વાગી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગુડરૂમાં આતંકવાદીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહમદ થોકરને ગોળી મારવામાં આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે પુલવામા હોસ્પિટલ લઇ જવાયા છે. ઘટનાની વિગતો આપતા, કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે “આતંકવાદીએ પોલીસ કોન્સ્ટેબલ રેયાઝ અહમદ થોકર S/O અલી મોહમ્મદ પર ગુડરૂ,પુલવામા ખાતેના તેમના નિવાસસ્થાને ફાયરિંગ કર્યું. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
એક દિવસ પહેલા જ આતંકવાદીઓએ મહેસૂલ વિભાગમાં તૈનાત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ તેમને ગોળી મારી દીધી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા.
બીજી તરફ રાહુલ ભટ્ટના આજે બંતાલાબમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડીજીપી જમ્મુ મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.