ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વીન્સલેન્ડ ખાતે કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ક્વીન્સલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે એલિસ રિવર બ્રિજ પર આ દુર્ઘટના બની હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે આ વર્ષનો ત્રીજો દુઃખદ બનાવ છે. સાયમન્ડ્સ પહેલા મહાન શેન માર્સ અને રોડને માર્શનું અવસાન થયું હતું. સાયમન્ડ્સના અવસાનના કારણે ક્રિકેટ જગતમાં ભારે સન્નાટો વ્યાપ્યો છે.
થોડા દિવસો પહેલા જ આ દિગ્ગજ ક્રિકેટરનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે એક ઘટના અંગે વાત કરતી વખતે તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. ચહલે IPLની શરૂઆતના દિવસોમાં સાયમન્ડ્સે તેમના સાથે કોઈ ટીખળ કરી હતી એ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
કાંગારૂના પૂર્વ ક્રિકેટર શનિવારે રાતે ટાઉન્સવિલેથી 50 કિમી દૂર રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ક્વીન્સલેન્ડ પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અકસ્માત સમયે તેઓ કારમાં એકલા જ હતા. અકસ્માત બાદ મેડિકલ ટીમ તાત્કાલિક તે સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ સાયમન્ડ્સને બચાવી ન શકાયા.
સાયમન્ડ્સ ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 વનડે અને 14 ટી20 રમ્યા હતા. આ દરમિયાન તેમના બેટ વડે ક્રમશઃ 1462, 5088 અને 337 રન નીકળ્યા હતા. સાયમન્ડ્સે ટેસ્ટમાં 40.61ની સરેરાશ રાખી તો વનડેમાં 39.75 અને ટી20માં 14 મેચમાં તેમની સરેરાશ 48.14ની રહી. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણેય ફોર્મેટમાં તેમની કુલ 165 વિકેટ રહી.
સાયમન્ડ્સ ફીલ્ડ પર પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફીલ્ડિંગ માટે પણ પ્રખ્યાત હતા. જોકે તેઓ પોતાના દેશ માટે ઓછી ટેસ્ટ રમ્યા હતા પંરતુ તેમની વનડે કરિયર ખૂબ જ શાનદાર રહી અને તેમણે એ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે સારૂં પ્રદાન આપ્યું હતું.
સાયમન્ડ્સ પોતાની ઈન્ટરનેશનલ કરિયરની અંતિમ મેચ પાકિસ્તાન સામે 7 મે 2009ના રોજ રમ્યા હતા. તે ટી20 મુકાબલો દુબઈ ખાતે રમાયો હતો. સાયમન્ડ્સ પોતાની શરાબની લતના કારણે ચર્ચામાં રહ્યા અને તે વાત તથા ગેરશિસ્તના કારણે તેમની કરિયરને ખૂબ જ નુકસાન પહોંચ્યું. આ બંને મુદ્દાના કારણે સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયાની ટી20 ટીમમાંથી જગ્યા ગુમાવી હતી. તેમના પર શરાબ પીવા સંબંધીત નિયમભંગનો આરોપ હતો અને જ્યારે વોર્નિંગની કોઈ અસર ન થઈ ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટે તેમને દરવાજો દેખાડી દીધો હતો.