21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે ‘ફેટ ફ્રી’ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચેતનાએ 16 મેના રોજ સવારે સર્જરી કરાવી હતી. જોકે ચેતનાએ પોતાનાં માતા-પિતાને આ અંગે કોઈ જ વાત કરી નહોતી. તે ફ્રેન્ડ્સ સાથે હોસ્પિટલમાં ગઈ હતી. સાંજે પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન થયાં હતાં. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.
21 વર્ષીય ચેતનાના પેરેન્ટ્સનો આક્ષેપ છે કે ડૉક્ટર્સની બેદરકારીને કારણે તેમની દીકરીએ જીવ ગુમાવ્યો છે. ચેતનાના પેરેન્ટ્સે નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ કરી છે. ચેતનાની બૉડી હાલમાં હોસ્પિટલમાં જ છે. પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.