Satya Tv News

હૈદરાબાદના પ્રખ્યાત દિશા રેપ કેસના આરોપીઓનું નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ મામલે સિરપુરકર કમિશને સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટ એવું દર્શાવે છે કે દિશા રેપ કેસના કથિત ચાર આરોપીઓનું નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આથી, સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટને પંચના રિપોર્ટ પર કાર્યવાહી કરવા જણાવ્યું.

તમને જણાવી દઇએ કે, નવેમ્બર 2019 માં, તેલંગાણાના હૈદરાબાદમાં એક 27 વર્ષીય મહિલા વેટનરી ડૉક્ટર પર બળાત્કાર થયો હતો. જ્યાર બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. મહિલા ડૉક્ટરનો મૃતદેહ શાદનગરમાં એક પુલ નીચેથી બળેલી હાલતમાં મળી આવ્યો હતો. હૈદરાબાદ પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એ ચારેયનું એન્કાઉન્ટર કરી દેવાયું હતું. પોલીસે એવો દાવો કર્યો હતો કે જ્યારે આરોપીઓને ગુનાના સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ચારેયને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા.

સિરપુરકર કમિશને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. પંચે કહ્યું કે અમારા મતે આરોપીઓને જાણી જોઈને ગોળી મારવામાં આવી હતી જેથી તેઓ મૃત્યુ પામે. આ એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ અધિકારીઓ સામે ફોજદારી કેસ થવો જોઈએ.

આ એન્કાઉન્ટર પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. એન્કાઉન્ટરની તપાસ માટે કોર્ટે સિરપુરકર કમિશનની રચના કરી હતી. આ કમિશનમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વીએસ સિરપુરકરની સાથે બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રેખા બાલદોતા અને સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર કાર્તિકેયન હતા.

શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં દિશા રેપ કેસના આરોપીના એન્કાઉન્ટરના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તેલંગાણા સરકારના વકીલ શ્યામ દિવાને માંગ કરી હતી કે એન્કાઉન્ટરની તપાસ માટે રચાયેલા જસ્ટિસ વીએસ સિરપુરકર કમિશનના રિપોર્ટને સીલબંધ રાખવામાં આવે. જેને કોર્ટે ફગાવી દીધી.

error: