સુરત મહાનગર પાલિકા દ્વારા ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી અંતર્ગત પ્રથમ ફેઝમાં શહેરમાં 25 સ્લો અને 25 ફાસ્ટ મળી કુલ 50 ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 13.50 કરોડના ખર્ચે 25 ફાસ્ટ ચાજિંગ સ્ટેશન લગાડવાનું ટેન્ડર તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે, બાકીના 25 ચાર્જિંગ સ્ટેશન સ્લોને બદલે ફાસ્ટ જ ચાર્જિંગ સ્ટેશન લગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી ટૂંક સમયમાં વધુ 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવશે.
આ સંદર્ભે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સ્લો ચાર્જિંગમાં અંદાજે 3 કલાક સુધી અને ફાસ્ટ ચાર્જિંગમાં 45 મિનિટથી ૧ કલાક સુધીનો સમય લાગતો હોય છે. આજના વ્યસ્ત જીવનકાળમાં સમયનો ખૂબ મહત્વ છે. કોઇની પાસે માત્ર ચાર્જિંગ કરવા માટે 3-3 કલાક સુધીનો લાંબો સમય રહેતો નથી. એટલે સ્લો ચાર્જિંગ સ્ટેશન લગાડવાનો મતલબ નથી. ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન જ લોકો માટે ઉપયોગી નિવડશે.
ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ તરફથી 50 ચાર્જિંગ સ્ટેશન માટે 34.55 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ડિપાર્ટમેન્ટ તરફથી મળનાર સબસીડી અને 15માં નાણાપંચના ફંડમાંથી આપવામાં આવશે. ગુજરાતમાં સૌથી વધુ ઇલેક્ટ્રીકલ વાહનોનું વેચાણ સુરતમાં થઇ રહ્યું છે. જેની સામે હાલમાં ચાર્જિંગ સ્ટેશન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જેથી પાલિકાએ આ દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે