અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભની સાથે લોકોને રાહત આપવાના ભાવને લઈને મનપા દ્વારા વોટર એટીએમ મશીન લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે શાસકોના ફોટો સેશની ભૂખ ભાંગ્યા બાદ મશીનની જાળવણી કરવામાં ન આવતા હાલ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. બીજી તફર વોટર પ્રોજેક્ટ પછાળ કરાયેલા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો પ્રજાના પરસેવાની કમાણીનો આડેધડ દુર્વ્યય થયો હોવાથી શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા તંત્રના અણધડ આયોજન અને અળશું વહીવટના પાપે મનપાનો વધુ એક પ્રોજેક્ટ અલ્પજીવી સાબિત થયો છે. આરંભે સૂરા અને અંતે અધૂરા તેવી જ સ્થિતિ મનપાના વોટર એટીએમના પાયલોટ પ્રોજેક્ટ સર્જાઇ છે. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે. ઉનાળાની ગરમીમાં રાહદારીઓને પાણી માટે રઝળવું ન પડે તે માટે પાણી માટેના આવા મશીનો લગાવવામાં આવ્યા હતા. પ્રારંભના સમયે આ વોટર એટીએમ મશીન શહેરીજનો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. શહેરના અંદાજિત 17 વિસ્તારમાં પાણીના એટીએમ મશીન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પીવાના શુદ્ધ પાણીનો લાભ લેતા હતા. પરંતુ સમય જતા 17માંથી હાલ 10 જેટલા વોટર ATM બંધ હાલતમાં હાલ ધૂળ ખાઈ રહ્યા છે.