વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત “કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩” નો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ પ્રાયોજના અધિકારીશ્રી જે.પી.અસારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તથા મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત ૧૦ લાભાર્થીઓને શાકભાજીના બિયારણ અને ખાતર કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.







રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી(ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ.૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી સેવંતુ વસાવાએ ખેડૂતમિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત ૫૯૦૦ લાભાર્થીઓ આ પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવશે. રાજ્યસરકાર છેવાડાના આદિવાસીઓ માટે સતત ચિંતિત છે ત્યારે આપણા જિલ્લાના વિકાસ અને ખેડૂતોને આર્થીક રીતે સધ્ધર કરવા માટે જિલ્લાના ૦ થી ૨૦ બી.પી.એલ સ્કોર ધરાવતા વધુમાં વધુ ખેડૂત લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે એ જરૂરી છે.
આ પ્રસંગે નેત્રંગ તાલુકાના રાજવાડી ગામના પ્રગતિશીલ ખેડૂત ગૌતમી રામસીંગ વસાવાએ “સરકારશ્રી દ્વારા આજે અમને કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં ખાતર અને બિયારણ વિતરણ કરવામાં આવે છે એનો ઉપયોગ બિયારણ ઉચ્ચ ગુણવત્તાનું હોવાથી અને ઓર્ગેનિક ખાતર હોવાથી પાક સારો થાય છે. અમારી આવકમા વધારો થયો છે. આ યોજના માટે અમે સરકારશ્રીના અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના આભારી છીએ.” તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રમુખશ્રી, નેત્રંગ તાલુકા પ્રમુખ, વાલિયા તાલુકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ન્યાય સમિતિના અધ્યક્ષ, મહિલા બાળ વિકાસના અધ્યક્ષ, અમલીકરણ અધિકારીગણ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ