માર્ચમાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ 48 ટકા વધ્યો,
19 લાખ નવા કાર્ડ ઇશ્યૂ થયા
ભારતીય દ્વારા ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચ સતત વધી રહ્યુ છે. માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ વાર્ષિક તુલનાએ 48 ટકા વધીને રૂ. 1 લાખ કરોડને વટાવી ગયુ છે, જે છેલ્લા પાંચ મહિનાની સૌથી ઉંચી રકમ છે. અગાઉ તહેવારોની સીઝનમાં ધૂમ ખરીદીને પગલે ઓક્ટોબરમાં પહેલીવાર ક્રેડિટ કાર્ડ થકી શોપિંગ -ખર્ચ રૂ. 1 લાખ કરોડની સપાટીને સ્પર્શ્યુ હતુ.
રિઝર્વ બેન્કના આંકડા મુજબ ભારતીયોએ માર્ચ મહિનામાં ક્રેડિટ કાર્ડ થકી રૂ. 1.07 લાખ કરોડ ખર્ચ્યા છે, જે વાર્ષિક તુલનાએ 48 ટકા અને ફેબ્રુઆરીની સરખામણીએ 24.5 ટકા વધારે છે. ઉપરાંત માર્ચમાં 19 લાખથી વધારે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે વર્ષ 2021-22માં કોઇ એક મહિનામાં ઉમેરાયેલા નવા ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો આંકડો છે. આમ વિતેલ નાણાંકીય વર્ષમાં નવા 1.16 કરોડ ક્રેડિટ કાર્ડના ઉમેરાતા કુલ આંકડો 7.36 કરોડ સુધી પહોંચ્યો છે. માસિક સરેરાશ નવા ક્રેડિટ કાર્ડની સંખ્યા 31.7 ટકા વધી છે. તો ડેબિટ કાર્ડ યુઝરોએ માર્ચમાં રૂ. 91,500 કરોડનો ખર્ચ કર્યો છે જેમાં એમટીએમ થકી રોકડ ઉપાડ સામેલ છે. માર્ચના અંતે ડેબિટ કાર્ડની કુલ સંખ્યા 92 કરોડ થઇ છે.
રિઝર્વ બેન્કના આંકડા મુજબ એક ભારતીય ક્રેડિટ કાર્ડ યુઝર્સ સરેરાશ મહિને રૂ. 14,500 ખર્ચે છે, જે ડેબિટ કાર્ડ યુઝર્સની તુલનાએ 20 ગણું વધારે છે. રિઝર્વ બેન્કના માર્ચ 2022ના આંકડાઓ અનુસાર ભારતીય ક્રેડિટ કાર્ડના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું કદ સરેરાશ ઓફલાઈન સ્વાઈપ કરતા બમણું છે. કુલ મળીને, ક્રેડિટ કાર્ડ યુઝરોએ ઑફલાઇન કરતાં ત્રણ ગણો વધારે ઑનલાઇન ખર્ચ કર્યો છે. જેમાં ક્રેડિટ કાર્ડ યુઝરે માર્ચમાં રૂ. 68,327 કરોડનું ઓનલાઇન પેમેન્ટ કર્યુ જ્યારે ઑફલાઇન પેમેન્ટ માત્ર રૂ. 22,687 કરોડ હતુ.
મૂલ્યની રીતે ડેબિટ કાર્ડની તુલનાએ પ્રત્યેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન બમણી રકમનું હતુ. ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક રૂ.500નો ચાર્જ લાગતો હોવા છતાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનની સરેરાશ રકમ રૂ. 9,600 હતું, જ્યારે ડેબિટ કાર્ડ પેમેન્ટ માત્ર રૂ. 3,900 નોંધાયુ છે. ડેબિટ કાર્ડ યુઝર્સની સરખામણીએ ક્રેડિટ કાર્ડ યુઝર્સ 21 ગણો વધારે ખર્ચ કરે છે, આ પાછળના મુખ્ય જવાબદાર પરિબળોમાં ‘બાય નાઉ, પે લેટર’ એટલે કે અત્યાર ખરીદો પાછળથી ચૂકવોની સુવિધા છે. સરેરાશ યુઝર્સ દર મહિને ક્રેડિટ કાર્ડ દીઠ રૂ. 14,500 ખર્ચે છે, જ્યારે ડેબિટ કાર્ડ યુઝર્સ કાર્ડ દીઠ માત્ર રૂ. 700 ખર્ચે છે. માર્ચ 2022 સુધીમાં, ત્યાં લગભગ 92 કરોડ ડેબિટ કાર્ડ બાકી હતા, જ્યારે ક્રેડિટ કાર્ડ્સ માત્ર 7.4 કરોડ હતા.