મસ્કના મિત્ર અને ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના બોર્ડમાંથી છુટા થવાનો નિર્ણય કર્યો છે. Twitterના ભૂતપૂર્વ CEO જેક ડોર્સી, 25 મેના રોજ યોજાયેલી બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પુનઃચૂંટણી માટે ઊભા નથી રહ્યાંના અહેવાલ છે.
બોર્ડ મેમ્બર માટેના ઈલેક્શનમાં ડોર્સીએ ફરી દાવેદારી ન નોંધાવતા સ્થિતિ સ્પષ્ટ થાય છે કે તેઓ હવે બોર્ડના સભ્ય રહેવા માંગતા નથી. તેઓ 2006માં માઇક્રો-બ્લોગિંગ સાઇટ સાથે જોડાયા હતા અને આજે ઔપચારિક આ જોડાણ સમાપ્ત કર્યું છે. 2015થી 2021 સુધી Twitter CEO તરીકેના તેમના કાર્યકાળ ઉપરાંત ડોર્સી 2007થી કંપનીના ડિરેક્ટર પણ છે.
આ અગાઉ તેમણે નવેમ્બર, 2021ના રોજ સીઇઓ પદ પરથી રાજીનામું આપ્યું હતુ અને બાદમાં પરાગ અગ્રવાલ સીઈઓ બન્યાં હતા. જોકે ત્યારબાદ પણ ડોર્સી ટ્વિટરના બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત હતા અને હવે તેમણે દાવેદારી ન નોંધાવતા ટ્વિટર સાથે છેડો ફાડ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે ટ્વિટરની સ્થાપના બાદ આ પ્રથમ વખત છે કે ટ્વિટરના કોઈ પણ કો-ફાઉન્ડર કંપની સાથે અથવા તેના બોર્ડમાં કામ નથી કરી રહ્યાં તેમ બ્લૂમબર્ગે એક અહેવાલમાં જણાવ્યું છે.
ગઈકાલે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં ટ્વિટરના રોકાણકારોએ પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેકના ઇગોન ડરબનને બોર્ડમાં ફરીથી ચૂંટવા વિરુદ્ધ મત આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડરબન ટ્વિટરને ખરીદવાની ઓફર કરનાર મસ્કના જુના સાથી છે.
વધુમાં, પેટ્રિક પિચેટ બોર્ડમાં ફરીથી ચૂંટાયા હતા; અને રોકાણકારોએ પણ ચૂંટણી ખર્ચ અને છૂપાવવાની કલમોનો ઉપયોગ કરવાના જોખમો અંગે અહેવાલો બનાવવાની તરફેણમાં મત આપ્યો હતો.
આ ઉપરાંત, કંપનીના લોબિંગ ખર્ચ પર અહેવાલ આપવા સહિત અન્ય દરખાસ્તો સામે મત આપવાની મેનેજમેન્ટની સલાહને સમર્થન આપવામાં આવ્યું હતું.