શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની તમામ ટિકિટોનું વેચાણ ઓનલાઇન જ થયું હોવાથી આ ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી હતી
શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની તમામ ટિકિટોનું વેચાણ ઓનલાઇન જ થયું હોવાથી આ ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી હતી
પ્રીમિયમ હોટલોમાં સૌથી વધુ બુકિંગ મુંબઈ, દિલ્હી, પુણે અને બેંગલુરુથી, ડિલક્સ રૂમના 7 હજારને બદલે 15 હજાર
મુંબઈની ફ્લાઇટનું ભાડું રૂ.4-5 હજારથી વધીને 10 હજાર, દિલ્હીનું ભાડું 8-9 હજાર સામે 16 હજારે પહોંચ્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે, જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ જવાની શક્યતા છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ છે.
આઈપીએલની આ બે મહત્ત્વની મેચોને પગલે દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડાં પણ બમણાં થઈ ગયાં છે. ફિલ્મી, રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ મેચ જોવા આવે એવી શક્યતા છે. આ વર્ગ મોટે ભાગે ચાર્ટર ફ્લાઈટમાં આવતો હોય છે, પરંતુ ક્રિકેટચાહકો વધુ ભાડું ખર્ચીને આવી રહ્યા છે.
મુંબઈથી અમદાવાદનું વિમાન ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર હોય છે, પણ અત્યારે 10 હજાર આસપાસ બોલાઈ રહ્યું છે. દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર સામે 15થી 16 હજારે પહોંચ્યું છે. રોયલ ચેલેન્જર્સ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સની ટીમો અમદાવાદ આવી ચૂકી છે. બહારથી આવનારા દર્શકોએ હોટલોમાં બુકિંગ કરાવ્યા છે. હોટલ ઈન્ડસ્ટ્રીનાં સૂત્રોએ કહ્યું હતું કે 29 તારીખે ફાઈનલ પૂર્વે રૂમની ઈન્કવાઇરીમાં વધારો થયો છે અને બુકિંગ ચાર્જ પણ ડબલ થઈ ગયા છે.
ડિલક્સ અને એક્ઝિક્યુટિવ રૂમનું એક દિવસનું રૂ.7 હજાર ભાડું વધીને 14થી 15 હજારે પહોંચી ગયું છે. સૌથી વધુ એડવાન્સ બુકિંગ મુંબઈ, પુણે, દિલ્હી અને બેંગલુરુથી થયું છે. શહેરની જાણીતી ફાઈવ સ્ટાર હોટલો 30 મે સુધી પેક થઈ ગઈ છે. ફાઈનલ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે, જેમાં એ.આર. રહેમાન, નેકા કક્કડ, રણવીર સિંહ સહિત 300 કલાકારો પર્ફોર્મ કરશે. બીસીસીઆઈ, આઈપીએલના ટોચના અધિકારીઓ તેમજ કોર્પોરેટ ડેલિગેટ્સ ગાંધીનગરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.
ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફેકેટ સાથે રાખવાનું રહેશે, જેમણે વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ મળશે.એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિએન્ટ્રી મળશે નહીં.પાણીની બોટલ, લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં.ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં.મેચ રદ થાય કે મોકૂફ રહે તો જ ટિકિટના પૈસા રિફંડ મળશે.કોઈ વસ્તુ સ્ટેડિયમમાં ભુલાઈ જશે તો તેની જવાબદારી પ્રેક્ષકની પોતાની રહેશે, એના માટે કોઈ વળતર મળવાને પાત્ર નથી.બે વર્ષથી ઉપરનાં બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે.